Site icon Revoi.in

લખતરમાં પાણીની પાઈપ લાઈન લિકેજ થતાં નદીની જેમ પાણી બજારોમાં વહેવા લાગ્યું

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતરમાં આડેધડ ખોદકામને કારણે શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે.  રોજબરોજ શહેરનાં કોઈને કોઈ વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ હોવાનાં કારણે પાણીની રેલમછેલ થઇ રહી છે. તેવામાં લાઈન રીપેર કર્યા બાદ પણ ત્રણેક દિવસમાં જ લાઈન ફરી લીકેજનાં બનાવો પણ બની રહ્યા છે. જેના કારણે સ્થાનિક તંત્ર માત્રને માત્ર દેખાડા પૂરતું અને ચોપડે રીપેરીંગ બતાવવા માટે જ કરતું હોય તેવો ઘાટ સર્જાયો છે. લખતરના મુખ્ય બજારમાં પાણીની લાઈન લિકેજ થતાં નદીની જેમ પાણી વહેવા લાગ્યું હતું. પાણીના અકારણ વેડફાટની તંત્રની કંઈ પડી જ ન હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ લખતર શહેરની મેઈન બજારમાં થોડા સમય પહેલા લાઈન રીપેર માટે ખાડો કરી તે બુરી દેવામાં આવ્યા બાદ ફરી સોમવારે તે જ જગ્યાએથી જ લાઈન લીકેજ થતા સેંકડો મીટર સુધી રોડ ઉપર પાણીની રેલમછેલ થઇ હતી. મેઈન બજારમાં જ લાઈન લીકેજ થતા વેપારીઓ તેમજ ખરીદી અર્થે નીકળેલા રાહદારીઓ અને વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક તંત્રનાં અનેક આવા નબળા કામ અંગે રજૂઆતો છતાં જિલ્લા કે તાલુકાનાં અધિકારીઓ ભેદી મૌન ધારણ કરીને બેઠા હોવાનું લોકમુખે ચર્ચાય છે.

અત્રે ઉલ્લેખનીય છે. કે, ઉનાળાની શરૂઆતમાં હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. તો આગામી સમયમાં શહેરમાં પાણીની અછત સર્જાય તો નવાઈ નહીં.  સરકારી કાર્યક્રમમાં પાણી બચાવવાના એક બાજુ શપથ લેવડાવવાના કાર્યક્રમોના તાયફા કરવામાં આવે છે. તો બીજી બાજુ તે તંત્ર દ્વારા જ પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. કારણ કે, પાણીની લાઈન લિકેજ થયાં બાદ મરામતનું કામ ત્વરિત કરવામાં આવતું નથી. અને પાણીનો કલાકો સુધી બગાડ થતો રહે છે.

Exit mobile version