Site icon Revoi.in

લગ્નસરાની સીઝન ટાણે સોનાના ભાવમાં વધારો થતાં આભૂષણોની ખરીદીમાં થયો ઘટાડો,

Social Share

અમદાવાદઃ દેવ દિવાળી બાદ લગ્નસરાની સીઝન શરૂ થઈ ગઈ છે. લગ્નો માટે લોકોએ દિવાળી બાદ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. લાભપાંચમથી જ બજારોમાં લગ્નો માટેની ધૂમ ખરીદી જોવા મળી હતી. લગ્નોમાં કન્યાપક્ષ અને વરપક્ષ તરફથી સોનાની ખરીદી કરાતા હોય છે. લગ્નમાં દીકરીને તેના માત-પિતા સોનાના આભૂષણો આપતા હોય છે. જ્યારે વરપક્ષ તરફથી પણ કન્યાને સોનાના આભૂષણો અપાતા હોય છે. આ વર્ષોથી રિવાઝ કે પરંપરા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સોનાના ભાવમાં ક્રમશઃ વધારો થયો જાય છે.  છેલ્લા એક સપ્તાહમાં જ સોનાના ભાવમાં રૂ.2000 જેટલો વધારો નોંધાતાં સોનું ઓલટાઈમ હાઇ પર પહોંચી ગયું છે. 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.63,000ને પાર પહોંચી ગયો છે. લગ્નસરાની સીઝનમાં જ સોનાના ભાવમાં વધારો થતાં લોકોએ ખરીદી પર કાપ મૂક્યો છે. ઘણા પરિવારો રિવાઝ સાચવવા માટે સોનાના જુના દાગીના ભંગાવીને નવા દાગીના તૈયાર કરાવી રહ્યા છે.

ગુજરાતમાં લગ્નસરાની સીઝનને ટાણે જ સોનાના ભાવમાં અસહ્ય વધારો થયો છે. તેથી સોનાના આભૂષણોની ખરીદીમાં ઓટ આવી છે. જ્વેલર્સ દ્વારા પણ નવા દાગીનાની ખરીદી પર ઘડતરમાં વળતર આપી રહ્યા હોવા છતાં પણ ખરીદદારોમાં કોઈ વધારો થયો નથી. અને વેપારીઓના વેચાણ પર પણ માઠી અસર વર્તાઈ છે.

અમદાવાદના જાણીતા એક જ્વેલર્સના કહેવા મુજબ  છેલ્લા એક અઠવાડિયામાં એક ગ્રામે 1000થી 1500 રૂપિયાનો ભાવ વધ્યો છે. હાલ સોનું ઓલટાઈમ હાઈ છે, જેનું મુખ્ય કારણ  યુક્રેન-રશિયા અને હમાસ-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, આથી ડોલર સાથે આંતરરાષ્ટ્રીય ગોલ્ડ માર્કેટમાં પણ ઉછાળો આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ સોનાના ભાવમાં રૂ.2000 જેટલો વધારો નોંધાતાં સોનું ઓલટાઈમ હાઇ પર પહોંચી ગયું છે. 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.63,000ને પાર પહોંચી ગયો છે. એટલે રોકડથી સોનાની ખરીદી ઘટી ગઈ છે. હાલ જુના દાગીના ભંગાવીને તેના સ્થાને નવા દાગીના ખરીદવામાં આવે છે. એટલે ઘડાઈના રૂપિયા જ ગ્રાહકો ચુકવે છે. તેથી ગ્રાહકોને આકર્ષવા માટે પ્રતિગ્રામ ઘડાઈના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. છતાંપણ દર વર્ષે લગ્ન સીઝન ટાણે જે ઘરાકી જોવા મળતી હતી તે આ વખતે જોવા મળથી નથી.

શહેરના માણેક ચોકના એક સોના-ચાંદીના વેપારીએ જણાવ્યું હતું કે, અત્યારે લગ્નગાળાની ફુલ સીઝન છે. ત્યારે સોનું મોંઘું થયું છે, તેથી  અમારા ધંધાને  બ્રેક તો લાગે જ. ધંધો 50થી 60 ટકા નીચે જતો રહ્યો છે. જો આમ ને આમ રહ્યું તો સોનાનો ભાવ કયા સુધી જાય એ નક્કી નથી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આવી સ્થિતિ રહી તો  સોનાનો ભાવ 70થી 80 હજાર જતાં વાર નહીં લાગે. ચાંદીના ભાવ વધીને એક કિલોના રૂ.75,850એ પહોંચ્યા છે, જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ રૂ.63,650એ પહોંચ્યા છે. સોના-ચાંદી ઉપર કરવેરો પણ લાગે છે અને એની આયાત કસ્ટમ ડ્યૂટી વધવાને પગલે પહેલેથી જ મોંઘી થઈ છે. સોનાના ભાવ કેટલાક સમયથી સતત વધતા જતા હોય અને લોકોનું બજેટ સીમિત રહેતું હોય, એકંદરે વેચાણમાં જથ્થાનું પ્રમાણ ઘટ્યું છે. લોકો ઓછા વજનના દાગીના પસંદ કરવા લાગ્યા છે અને રિસાઇક્લિંગ પણ વધ્યું છે.