રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે આશા વર્કરોએ પણ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજકોટમાં જિલ્લા પંચાયતની કચેરી સામે 1500 જેટલી આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને ધરણા કર્યા હતા. અને સરકાર પર આક્ષેપ મુકતા કહ્યું હતું કે,’સરકાર જ મહિલાઓનું શોષણ કરી રહી છે
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનાં રાજકોટ જિલ્લા પ્રમુખ સંગીતાબેને જણાવ્યું હતું કે, અમારા સંગઠનનાં નેજા હેઠળ સમગ્ર રાજકોટ જિલ્લાનાં 9 તાલુકાનાં બહેનો હડતાળ ઉપર ઉતર્યા છીએ. અમે 1500થી 1700 બહેનો જિલ્લા પંચાયત કચેરી ખાતે એકઠા થયા છીએ. અને અમારી મુખ્ય માંગ છે કે, માનદ વેતનમાંથી લઘુતમ વેતનમાં અમારો સમાવેશ કરવામાં આવે. હાલ કારમી મોંઘવારી છતાં વર્કર બહેનોને માત્ર 7,800 અને હેલ્પર બહેનોને માત્ર 3,950 ચુકવવમાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખરેખર સરકારે સમજવું જોઈએ કે 3,950માં બહેનો એક તેલનો ડબ્બો અને એક ગેસનો બાટલો જ લઈ શકે. આ મોંઘવારી વચ્ચે આટલા ઓછા વેતનમાં બહેનો પોતાનું ઘર કઈ રીતે ચલાવી શકે ? જે પ્રમાણેની કામગીરી સોંપાય છે તે પ્રમાણે વેતન પણ સરકારે ચૂકવી લઘુતમ વેતનમાં જ અમારો સમાવેશ કરવો જોઈએ. ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરી મહિલાઓનું શોષણ કરતી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેમાં શિક્ષકો તેમજ અન્ય સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેંશન યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આંગણવાડી અને આશાવર્કર બહેનોએ પણ મોરચો માંડતા સરકારની મુશ્કેલીઓ વધી રહી છે.