વડોદરા: ફાગણમાં કેસુડાના ફૂલનું ખુબ મહત્વ હોય છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કેસુડાના વૃક્ષો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. વસંત ઋતુ શરૂ થતા જ કેસુડાના ફૂલની ચાદર છવાઈ ગઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગરમાં કેસુડા ટૂર માટે ત્રણ રૂટ તૈયાર કરાયા છે. પ્રવાસીઓ કેસુડાના ફૂલની સાથે ટ્રેકિંગ કરી શકે તેવી વ્યવસ્થા હાલ ગોઠવવામાં આવી છે. વૃક્ષો વિશે ગાઈડ લોકોને માહિતી આપી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં હાલ દેશ વિદેશથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ત્યારે એકતાનગરમાં 65 હજાર કેસુડાના વૃક્ષો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વસંત ઋતના આગમનની સાથે કેસુડાના ફૂલની ચાદર છવાઈ જતી હોય છે. જેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કેસુડા ટૂરની શરૂઆત કરાઈ છે. ગરમીની શરૂઆતની સાથે આખા વિસ્તારમાં કેસુડાના ફૂલ વૃક્ષ પરથી પડતા તંત્ર દ્વારા કેસુડા ટૂર માટે ત્રણ રૂટ તૈયાર કરાયા છે. પ્રવાસીઓ કેસુડાના ફૂલની સાથે ટ્રેકિંગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રવાસીઓને કેસુડાના વૃક્ષ અને ટ્રેકિંગ કરાવ્યા બાદ કેસુડાની ચા અને શરબત સાથે હળવો નાસ્તો આપવામાં આવે છે. આ દરમિયાન નિષ્ણાંત વનકર્મી અને ગાઈડ લોકોને આ વૃક્ષો વિશે માહિતી પણ આપી રહ્યા છે.
નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તાએ ટ્વિટર પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે કેસુડાનો ફૂલોનું સૌંદર્ય અદભુત અને આકર્ષણરૂપ છે. વસંત પંચમી ટાણે કેસુડાના ફૂલો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બન્યા હતા. હાલ કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ વિસ્તારમાં તેમજ એકતાનર્સરીથી કેક્ટ્સ ગાર્ડનથી માંડીને ઝરવાણી, ખલવાણી સુધી રસ્તાની આજુબાજુ ચારેબાજુ પુર બહારમાં કેસુડા ખીલ્યા છે. તો બીજી બાજુ નર્મદા ડેમ તરફથી કેનાલ ઝીરો સુધીના રસ્તે કેસુડાનું સૌંદર્ય પૂરબહારમાં ખીલી ઉઠ્યું છે. આમતો કેસુડો વસંત ઋતુ નો પર્યાય ગણાય છે, કેસુડા જ્યારે ખીલે રે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે. હવે વેલી ઓફ ફ્લાવર ની સાથે પ્રવાસીઓ માટે કેસુડાના ફૂલોનું સૌંદર્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રવાસીઓ રસ્તા પર વાહનો ઊભા રાખી કેસુડા સાથે ફોટા પાડી સેલ્ફી પણ લઈ રહ્યા છે.