Site icon Revoi.in

ઔડાનું વર્ષ 2023-24નું 1275 કરોડનું વિકાસલક્ષી બજેટ, 10 હજાર જેટલાં મકાનો બનાવાશે,

Social Share

અમદાવાદઃ શહેરની આજુબાજુના વિસ્તારોના વિકાસ માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) દ્વારા અનેક યોજના બનાવવામાં આવે છે. આજે અમદાવાદ ઔડાનું વર્ષ 2023-24નું બજેટ  ઔડાના ચેરમેન અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ. થેંન્નારેસન તેમજ મુખ્ય કારોબારી અધિકારી ડીપી દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.  રૂપિયા 1275 કરોડના બજેટમાં ઔડા હસ્તક આવતા ગામો અને વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઈન, ડ્રેનેજ અને પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મકાન મળી રહે તેના માટે ઔડા આવાસ યોજનાના નામે નવી આવાસ યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં બે બેડરૂમ, હોલ અને કિચનના મકાનો બનાવવામાં આવશે. પ્રાથમિક ધોરણે હાલ 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત 1000 જેટલા મકાનો બનાવાશે.

ઔડાના મુખ્ય કારોબારી અધિકારી ડીપી દેસાઈએ જણાવ્યું હતું કે, આજે ઔડાની બોર્ડ મીટિંગ મળી હતી. જેમાં વર્ષ 2023-24નું રૂપિયા 1,275 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં આવક રૂપિયા 1311 કરોડની અને ખર્ચ રૂપિયા 1272 કરોડનો મૂકવામાં આવ્યો છે. જે રીતે EWS આવાસ યોજનાના મકાનો છે તેમ હવે ઔડા વિસ્તારમાં ટીપી સ્કીમમાં જે પ્લોટ મળે છે. તેમાં ઔડા આવાસ યોજનાના નામે નવી આવાસ યોજના શરૂ કરવાનો  નિર્ણય લેવાયો  છે. બે બેડરૂમ, હોલ અને કિચનના નવા મકાનો બનાવવામાં આવશે. પ્રાથમિક ધોરણે અંદાજે 1000 જેટલા મકાનો માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઔડા રીંગ રોડ પર હાલમાં દહેગામ મુમુદપુરા અને કમોડ પાસે બ્રિજ બનવાની કામગીરી ચાલે છે. જેની પાછળ રૂપિયા 80 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઔડા વિસ્તારમાં પીવાના પાણી માટે નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જેમાં જાસપુર નજીક જ અંદાજે 125 એમએલડીનો અને દહેગામ નજીક જલુન્દ્રા પાસે 50 એમએલડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાંખવામાં આવશે. રિંગ રોડની આસપાસ 3 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 45 જેટલા ગામોમાં પીવાના પાણીના પ્રોજેક્ટની કામગીરી માટે જળ જીવન યોજના હેઠળ રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આગામી વર્ષ 2036માં ભારતમાં ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને પણ નવા આયોજનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને નવા રિંગ રોડ બનશે. જેમાં આ ઓલમ્પિક અંતર્ગત ખૂબ જ ઉપયોગી બની રહેશે. રિંગ રોડ પરના 10 જેટલા જંકશનનો ઉપર ફલાયઓવર બ્રિજ બનાવવામાં આવશે. રૂપિયા 150થી 200 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવશે.