Site icon Revoi.in

સુરતમાં વાહનોના ડીલર્સ દ્વારા નંબર પ્લેટ્સના વધુ ભાવ લેવાતા ઓટો કન્સલ્ટન્ટ્સએ કર્યો વિરોધ

Social Share

સુરત: ગુજરાતમાં આરટીઓ કચેરીઓનું કામનું ભારણ ઘટાડવા માટે વાહનોની નંબર પ્લેટ્સનું કામ ઓટો ડીલર્સને સોંપી દેવામાં આવ્યું છે, નવા વાહનો રજિસ્ટ્રેશનની નંબર પ્લેટ લગાવીને શો રૂમમાંથી બહાર નિકળી શકશે. HSRP (હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ) હવે નિયત ચાર્જ લઈને ડીલરો જ લગાવી આપશે. રાજ્યભરમાં ઓટો ડીલરોએ નંબર પ્લેટ લગાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. જેનો સુરતના ઓટો કન્સલ્ટન્ટસ દ્વારા વિરોધ કરાયો છે. ડીલરો દ્વારા જે નંબર પ્લેટના મન ફાવે તેમ ભાવ લેવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. જો કોઈ જુના વાહનોની એક નંબર પ્લેટ તૂટી ગઈ હોય તો ડીલરો એક નંબર પ્લેટ ન બનાવી આપતા હોવાનો અને વધુ ભાવ લેતા હોવાનો આક્ષેપ ઓટો કન્સલ્ટન્ટો દ્વારા કરવામાં આવ્યો છે.
સુરત શહેરના ઓટો કન્સલ્ટન્ટસના કહેવા મુજબ શહેરમાં અગાઉ જ્યારે RTOમાં નંબર પ્લેટ બનતી હતી. ત્યારે 350 રૂપિયામાં નંબર પ્લેટ બની જતી હતી પરંતુ હવે જ્યારે ડીલરોને આ સત્તા આપવામાં આવી છે ત્યારે ડીલરો દ્વારા અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે. કોઈ દ્વારા 500 રૂપિયામાં નંબર પ્લેટ બનાવી આપવામાં આવે છે. તો કેટલાક ડીલરો 600 કે કોઈ 700 રૂપિયા લઈને નંબર પ્લેટ બનાવે છે. આ ઉપરાંત જૂની નંબર પ્લેટ તૂટી હોય તો ડીલરો દ્વારા એક નંબર પ્લેટ બનાવી આપવામાં આવતી નથી. ફરજિયાત વાહનની બે નંબર પ્લેટ બનાવવી પડે છે અને એક નંબર પ્લેટ તૂટેલી હોવા છતાં પણ બે નંબર પ્લેટના પૈસા ચૂકવવા પડે છે.

ઓટો કન્સલ્ટન્ટોનો એવો પણ આક્ષેપ છે કે, ઘણા ડીલરો દ્વારા નંબર પ્લેટ લગાવવા માટે 10-10 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યુ છે એટલે કે 10-10 દિવસ સુધી નંબર પ્લેટ તૈયાર કરી આપવામાં આવતી નથી. હવે જ્યારે ડીલરોના હાથમાં આ નંબર પ્લેટની સત્તા આવી છે ત્યારે તેમના દ્વારા મનસ્વી રીતે વર્તન કરતા હોવાનો આક્ષેપ છે. ઓટો કન્સલ્ટન્સ દ્વારા બાબતને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાવ વધારો નહીં ચાલે તેવા સૂત્રચાર કરાયા હતા અને માગણી કરવામાં આવી હતી કે, મનસ્વી રીતે ડીલરો દ્વારા નંબર પ્લેટના જે ભાવો લેવામાં આવે તો ડીલરો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે અને એક નંબર બે તૂટી હોય તો એક નંબર પ્લેટના જ પૈસા ડીલરો દ્વારા લઈને એક નંબર પ્લેટ લગાવી આપવાની સુવિધા પણ ઉભી કરવામાં આવે તેવી માગ કરી છે.

Exit mobile version