Site icon Revoi.in

બાલાસોર ટ્રેન દુર્ઘટના:રેલ દુર્ઘટના પર બાઈડેને વ્યક્ત કર્યો શોક,કહ્યું- આખું અમેરિકા ભારતીયોના દુઃખમાં તેમની સાથે છે

Social Share

દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેઓ ભારતમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાના સમાચારથી ખૂબ જ દુઃખી છે. શુક્રવારે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 288 મુસાફરો માર્યા ગયા હતા અને 1,100 થી વધુ ઘાયલ થયા હતા. 12841 શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને 12864 બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને બાલાસોર જિલ્લામાં માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી.

બાઈડેને એક નિવેદનમાં કહ્યું, “હું અને (ફર્સ્ટ લેડી) જીલ (બાઈડેન) ભારતમાં ભયાનક ટ્રેન દુર્ઘટનાના દુ:ખદ સમાચારથી દુખી છીએ. અમારી સંવેદનાઓ તે લોકો સાથે છે જેઓ આ ભયંકર ઘટનામાં ઘાયલ થયા હતા અને પ્રિયજનોને ગુમાવ્યા હતા.” તેમણે કહ્યું, “અમેરિકા અને ભારત વચ્ચે ગાઢ પારિવારિક અને સાંસ્કૃતિક સંબંધો છે જે બંને દેશોને એક કરે છે. સમગ્ર અમેરિકાના લોકો ભારતીયો સાથે આ દુખની ઘડીમાં સામેલ છે.

ઉલ્લેખનીય છે કે,બાલાસોર ટ્રેન દુર્ઘટના એ ભારતમાં અત્યાર સુધીનો ચોથો સૌથી ભયંકર ટ્રેન અકસ્માત છે. અકસ્માતની ભયાનક તસવીરો સામે આવ્યા બાદ અન્ય દેશોના રાજનેતાઓએ પણ તેના પર શોક વ્યક્ત કર્યો છે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના પ્રમુખ ચાબા કોરોશી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને જાપાનના પીએમ ફૂમિયો કિશિદાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.