Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ જાણ કર્યા વિના અમદાવાદ છોડી શકશે નહીં

Social Share

અમદાવાદઃ ભારતના પાડોશી એવા બાંગ્લાદેશમાં બે મહિનાથી ચાલી રહેલાં અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ ગઈકાલે સોમવારે રાજીનામું આપીને દેશ છોડીને ભારતમાં રાજકીય શરણ મેળવ્યું છે. બાંગ્લાદેશમાં હાલ કટોકટીની સ્થિતિ છે. ત્યારે  ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા બાંગ્લાદેશના 20 જેટલાં વિદ્યાર્થીઓ માટે યુનિ.એ ગાઈડલાઈન જાહેર કરી છે. જે અંતર્ગત બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ જાણ કર્યાં વિના અમદાવાદ છોડી શકશે નહીં.

ગુજરાત યુનિવર્સિટીમાં દેશ-વિદેશમાં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં બાંગ્લાદેશના પણ 20 વિદ્યાર્ઓ અભ્યાસ કરી રહ્યા છે.  આ વર્ષે પણ 300 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. પરંતુ વિદ્યાર્થીઓ હજુ અહીં આવ્યા નથી.અત્યારે હાજર 20 વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ જાણ કર્યાં વિના અમદાવાદ છોડી શકશે નહીં.

ગુજરાત યુનિવર્સિટીમાં UG,PG અને PHDમાં બાંગ્લાદેશના 20 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં ઇમરજન્સીની સ્થિતિ ઊભી થતાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તાત્કાલિક બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને બોલાવીને બેઠક કરવામાં આવી હતી. બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા સુરક્ષાની બાહેંધરી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા કેટલીક સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યા છે. બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને કોઈ મૂંઝવણ હોય અથવા કોઇ મુશ્કેલી હોય તો તે અંગે પણ જાણ કરવા જણાવ્યું છે.

આ અંગે કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ સાથેની બેઠકમાં કેટલીક જરૂરી સુચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને અમદાવાદ ના છોડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.વિદ્યાર્થીઓ અમદાવાદ છોડે તો યુનિવર્સિટીને જાણ કરીને છોડે તેમ જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને બે મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ કારણસર વિદ્યાર્થીઓ દ્વારા ફોન ન લાગે તો વિદ્યાર્થીઓ પાસેથી પણ વધારાનો એક નંબર લેવામાં આવ્યો છે, જેથી ઇમરજન્સીના સમયમાં સંપર્ક થઈ શકે.વિદ્યાર્થીઓ સાથે કેટલીક વિદ્યાર્થિનીઓ હોવાથી તેમને ફિમેલ ગાર્ડનો પણ નંબર આપવામાં આવ્યો છે.સોશિયલ મીડિયા પર રિએક્ટ ના કરવા સૂચના આપવામાં આવી છે. તેની સાથે સાથે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવા અને સરકારી એડવાઈઝરીનું પાલન કરવા તથા પરિવારના સંપર્કમાં રહેવા જણાવ્યું છે. બાંગ્લાદેશથી તેમને કોઈ સૂચના મળે તો યુનિવર્સિટીના જાણ કરવા પણ જણાવ્યું છે.

 

Exit mobile version