Site icon Revoi.in

બાડમેર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, તંત્ર દોડતુ થયું

Social Share

બાડમેર 23મી ડિસેમ્બર 2025 : Bomb threat– રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. કલેક્ટર કચેરીના સત્તાવાર ઈમેલ પર મળેલી આ ધમકી બાદ પોલીસે તાત્કાલિક સમગ્ર પરિસર ખાલી કરાવીને સઘન તપાસ હાથ ધરી હતી.

બાડમેર પોલીસ અધિક્ષક નરેન્દ્ર સિંહ મીણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે ૧૦:૪૫ વાગ્યે જિલ્લા કલેક્ટર કચેરીમાં એક ઈમેલ આવ્યો હતો. આ મેલમાં તમિલનાડુના ચેન્નાઈ સ્થિત સુપરસ્ટાર રજનીકાંતના નિવાસસ્થાન તેમજ બાડમેર કલેક્ટર ઓફિસને મંગળવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેલમાં સ્પષ્ટ લખ્યું હતું કે, “કલેક્ટર પરિસરમાં ત્રણ RDX બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા છે, વિસ્ફોટ થાય તે પહેલા પરિસર ખાલી કરી દેજો.”

મંગળવારે સવારે જ્યારે જિલ્લા કલેક્ટરના પીએ દ્વારા આ મેલ અંગે પોલીસ અધિક્ષકને જાણ કરવામાં આવી, ત્યારે સમગ્ર કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.

તપાસ બાદ જ્યારે પરિસ્થિતિ સુરક્ષિત હોવાનું જણાયું, ત્યારે કલેક્ટર કચેરીમાં કામકાજ અને લોકોની અવરજવર ફરીથી શરૂ કરવામાં આવી હતી. જોકે, સરહદી જિલ્લો હોવાથી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ આ ઈમેલ મોકલનાર શખ્સને શોધી કાઢવા માટે સાયબર સેલની મદદ લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ધમકીઓને કારણે સ્થાનિક લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પાર્કિંગને લીધે થતી ટ્રાફિકની સમસ્યા ઉકેલવા તંત્રએ મથામણ શરૂ કરી

Exit mobile version