Site icon Revoi.in

બંગાળના રાજ્યપાલ સીવી આનંદની સુરક્ષા વધી,ગૃહ મંત્રાલયે Z+ સુરક્ષા આપી

Social Share

કોલકાતા:પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝની સુરક્ષા વધારી દેવામાં આવી છે.ગૃહ મંત્રાલયે તેમને Z+ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુપ્તચર વિભાગના થ્રેટ એસેસમેન્ટ રિપોર્ટ બાદ સુરક્ષા આપી છે.હવે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કમાન્ડો રાજ્યપાલ સીવી આનંદ બોઝને સુરક્ષા પૂરી પાડશે. ઈન્ટેલિજન્સ બ્યુરોએ ગવર્નર સીવી બોઝ માટે થ્રેટનો રિપોર્ટ તૈયાર કર્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યપાલ બનતા પહેલા સીવી આનંદ બોઝ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસાની તપાસ સમિતિમાં સામેલ હતા.

નિવૃત્ત IAS અધિકારી ડૉ. સીવી આનંદ બોઝની નવેમ્બર 2022માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.કેરળ કેડરના 1977 બેચના નિવૃત્ત IAS સીવી આનંદ બોઝે કલેક્ટરથી રાજ્યપાલ સુધીની લાંબી મજલ કાપી છે.તેમણે છેલ્લે 2011માં નિવૃત્ત થતાં પહેલાં નેશનલ મ્યુઝિયમમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કર્યું હતું.તેઓ કેન્દ્રમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.બોસે તેમના કેડર રાજ્ય કેરળ અને કેન્દ્રમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું હતું.તેઓ કેરળના ક્વિલોન જિલ્લા (હવે કોલ્લમ)ના કલેક્ટર રહી ચૂક્યા છે.તેમના સત્તાવાર રેકોર્ડ મુજબ, તેમણે રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાનના સચિવ અને કૃષિ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે પણ સેવા આપી હતી.

અગાઉ ઓક્ટોબર 2022માં કેરળના RSS 5 નેતાઓને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી. NIAના રિપોર્ટ અનુસાર આ નેતાઓને PFIથી ખતરો હતો.તે નેતાઓની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળના કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,ભારતીય વહીવટી સેવા (IAS)ના પૂર્વ અધિકારી સીવી આનંદ બોઝે ગયા વર્ષે નવેમ્બરમાં બંગાળના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા.