Site icon Revoi.in

ભાદર-1 ડેમ ઓવરફ્લો, ડેમના 17 દરવાજા 3 ફુટ ખોલાતા 22 ગામોને એલર્ટ કરાયા

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં ભાદરવો ભરપૂર બનતા મોટાભાગના જળાશયો છલકાય ગયા છે. રાજકોટનો આજી, ન્યારી અને લાલપરી ડેમ ઓવરફલો થયા બાદ હવે ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં સતત પાણીની આવક ચાલુ રહેતા આજે ડેમ છલોછલ ગયો છે અને તેના 17 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. અને 22 ગામોને એલર્ટ કરાયા છે અને નીચાણવાળા વિસ્તારને એલર્ટ રહેવા તંત્ર તરફથી સુચના આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસેનો ભાદર-1 ડેમ તેની નિર્ધારિત સપાટીએ 100 ટકા ભરાઈ ગયેલો હોવાથી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. જળાશયની હાલની સપાટી 107.89 મીટરની છે. ડેમમાં હાલ 21983 ક્યુસેકના પ્રવાહની આવક થઈ રહી છે. જેટલી આવક છે તેટલું પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે.  આથી ભાદર-1 ડેમ ના હેઠવાસમાં આવેલા ગોંડલ તાલુકાના લીલાખા મસીતાળા ભંડારિયા ખંભાલીડા અને નવાગામ જેતપુર તાલુકાના મોણપર થી રસરાજ દેરડી જેતપુર નવાગઢ રબારીકા સરદાર પાંચપીપળા કેરાડી અને લુણાગરા જેતપુર તાલુકાના જ લુણાગરી અને વાડાસડા જામકંડોરણા તાલુકાના તરવડા અને ઈશ્વરીયા તથા ધોરાજી તાલુકાના રેગડી ભક્તિ અને ઉમરકોટ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ભાદર ડેમ રાજકોટ ઉપરાંત જેતપુર અને ગોંડલ પંથકમાં પીવાના પાણીની જરૂરિયાત અને સાથે ખેતી માટે પણ મુખ્ય આધારસ્તંભ છે. ભૂશાસ્ત્રીઓના અભ્યાસ મુજબ ભાદર ડેમ ભૌગોલિક સ્થિતિએ રકાબી આકારે હોય ભૂસ્તરમાંથી પાણીનો પ્રવાહ ડેમ વિસ્તારમાં કેન્દ્રિત થાય છે. જેના લીધે આસપાસની નદીઓ અહીં ડેમમાં ઠલવાતી હોય સરેરાશ 25થી 30 ઇંચ જેટલો વરસાદ પડે તો પણ ભાદરમાં કમસેકમ પાણી કાંઠે તો આવી જ જાય છે. ભાદર ડેમ પીવાના પાણી ઉપરાંત સિંચાઇ માટે પણ આશીર્વાદરૂપ છે.

ગોંડલ નજીક આવેલ ભાદર-1 ડેમની સપાટી 34 ફૂટે પહોંચી જતા ડેમ છલોછલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાદર ડેમનો અવકાશી નજારો જોતા રમણીય દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ ડેમમાં પાણીની આવક ચાલુ છે ત્યારે ભાદર ડેમ હેઠળ આવેલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારીયા, નવાગામ, ખંભાલીડા, જેતપુરના મોણપર, ખીરસરા, જેતપુર દેરડી, નવાગઢ રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરા, લુણાગરી, વસાવડા, જામકંડોરણાના તરાવડા, ઈશ્વરીયા, ધોરાજીના વેગડી, ભૂખી, ઉમરકોટ, સહિતના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના 81 ડેમમાંથી 37 ડેમ છલકાઇ ગયા છે જ્યારે 10 ડેમ 85 થી 90% ભરાઇ જતા નીચાણવાળા 200થી વધુ ગામડાઓને એલર્ટ રહેવા તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર-1 ડેમ ભરભાદરવે ભરપૂર થઈ આખરે ઓવરફ્લો થયો છે. ડેમના 15 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. જેથી નીચાણવાળા 22 ગામના લોકોને એલર્ટ કરી દેવાયા છે.