Site icon Revoi.in

ભાદર-1 ડેમ છલકાતા ડેમના આઠ દરવાજા 2 ફુટ ખોલાતા 22 ગામોને એલર્ટ કરાયા

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ આ વખતે લાંબો મુકામ કર્યો છે. અને સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. તેના લીધે  રાજકોટ શહેર અને જિલ્લાના મોટાભાગના તમામ જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. રાજકોટ શહેરને પાણી પૂરું પડતા આજી, ન્યારી અને ભાદર એમ કુલ ત્રણે ડેમમાં પૂરતા પ્રમાણમાં આવક થતા રાજકોટવાસીઓને હવે જળ સંકટનો સામનો કરવો નહીં પડે, રાજકોટ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ  સારા વરસાદના લીધે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોરો ભાદર- 1 ડેમ પણ ઓવરફ્લો થતા ડેમના 8 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે જળાશયોમાં પાણીનો સંગ્રહ સારોએવો થયો છે. સાર્વત્રિક વરસાદ લીધે  60થી વધુ ડેમમાં જળ સપાટમાં વધારો થયો છે. ભાદર-1 ડેમમાં સતત ધીમે ધીમે પાણી આવક ચાલુ રહેતા હાલ ડેમ છલોછલ ભરાઈ ગયો છે. ગોંડલ નજીક આવેલ ભાદર-1 ડેમની સપાટી રાત્રીના સમયે 34 ફૂટે પહોંચી ગઈ છે. સતત બીજા વર્ષે ભાદર ડેમ ભાદરવે ભરપૂર છલોછલ થતા રાત્રીના સમયે તંત્ર દ્વારા ડેમના 8 દરવાજા 2 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. અને ડેમમાં હાલ 27000 ક્યુસેક પાણીની આવક સામે 7000 ક્યુસેક પાણી છોડાવામાં આવી રહ્યું છે.

ભાદર ડેમ આસપાસ અને ઉપરવાસમાં વરસાદ પગલે ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી 8 દરવાજા ખોલી 7000 ક્યુસેક પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા ભાદર ડેમ હેઠવાસમાં આવેલા  લીલાખા, મસીતાળા, ભંડારીયા, નવાગામ, ખંભાલીડા, જેતપુરના મોણપર, ખીરસરા, જેતપુર દેરડી, નવાગઢ રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાળી, લુણાગરા, લુણાગરી, વસાવડા, જામકંડોરણાના તરાવડા, ઈશ્વરીયા, ધોરાજીના વેગડી, ભૂખી, ઉમરકોટ, સહિતના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને લોકોને ડેમની ઓવરફ્લો સાઈડ કે નદી તરફ ન બિનજરૂરી કામ વગર ન જવા અપીલ કરવામાં આવી છે.

સિંચાઈ વિભાગના સૂંત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર-1 ડેમ ભરભાદરવે ભરપૂર થઈ આખરે ઓવરફ્લો થયો છે. ડેમના 8 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. જેથી નીચાણવાળા 22 ગામના લોકોને એલર્ટ કરી દેવાયા છે. ભાદર ડેમ ઓવરફ્લો થતાં રાજકોટ તેમજ જેતપુરને આવતા ચોમાસા સુધી પીવાનું પાણી આપી શકાશે. જ્યારે 11 હજાર હેક્ટરમાં રવી પાકને 4થી 5 પાણ આપી શકાશે. ઉલ્લેખનીય છે કે ભાદર ડેમ રાજકોટ ઉપરાંત જેતપુર અને ગોંડલ પંથકમાં પીવાના પાણીની જરૂરિયાતની સાથે ખેતી માટે પણ મુખ્ય આધારસ્તંભ છે. ભાદર ડેમ ભૌગોલિક સ્થિતિએ રકાબી આકારે હોય ભૂસ્તરમાંથી પાણીનો પ્રવાહ ડેમ વિસ્તારમાં કેન્દ્રિત થાય છે. જેના લીધે આસપાસની નદીઓ અહીં ડેમમાં ઠલવાતી હોય  સિંચાઇ માટે પણ ભાદર ડેમ આશીર્વાદરૂપ માનવામાં છે.