Site icon Revoi.in

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના 2024-25ના બજેટને મંજુરી, વ્હાઈટ ટેપ રોડ માટે 30 કરોડ ખર્ચાશે

Social Share

ભાવનગરઃ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2024-25નું બજેટને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા મેયર ભરત બારડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ષ 2024-25નું 176 કરોડનું  બજેટ તેમજ  મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2024-25નું 1648 કરોડના બજેટને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણીની આચારસંહિતા લીધે કોઈ ચર્ચા કર્યા વિના જ 5 મિનિટમાં બજેટને મંજૂરી આપવામાં આવી હતી.

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ વર્ષ 2024 25નું બજેટ રજુ કરાયુ હતું. જેમાં ઉઘડતી સિલક રૂ.1648 કરોડ 54 લાખની સામે 1527 કરોડ 63 લાખ ખર્ચ કરતા 120 કરોડ 91 લાખની પુરાંતવાળા બજેટને સભાએ સર્વાનુંમતે મંજુરી આપી હતી. હાલ લોકસભાની ચૂંટણીને લીધે આચારસંહિતા અમલમાં હોવાને લીધે પાંચ મિનિટમાં ચર્ચા કર્યા વિના બંને બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના વર્ષ 2024-25ના બજેટમાં જુદા જુદા મુખ્ય વિકાસના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીટી બ્યુટીફિકેશન પ્રોજેક્ટ માટે ત્રણ કરોડ રૂપિયા, વિન્ડ પાર્ક માટે 50 કરોડ રૂપિયા, સી એન્ડ ડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ માટે 6 કરોડ, સ્માર્ટ આંગણવાડી માટે 2 કરોડ, દિશા સૂચક બોર્ડ માટે 2.73 કરોડ, પશુ સ્મશાન માટે 2 કરોડ, કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ માટે 15 કરોડ, ક્રિકેટ સ્ટેડિયમ માટે 25 કરોડ, ગૌરવ પથ વ્હાઇટ ટોપ રોડ માટે 30 કરોડ, ઈલેક્ટ્રિક બસ માટે 24 કરોડ, 7 કિલોમીટર ટ્રીટેડ વોટર લાઈન માટે 3 કરોડ, સોલાર પાર્ક માટે 60 કરોડ, નાઈટ શેલ્ડર હોમ માટે 13.22 કરોડ, સ્વીપર મશીન માટે 5 કરોડ, ફાયર વાહનો માટે 11 કરોડ, બે નવા ફાયર સ્ટેશન માટે 10 કરોડ, એસ.ટી.પી પ્લાન્ટ માટે 105 કરોડ, આંગણવાડી ના બાંધકામ માટે 6.60 કરોડ તથા સીમ્સ ડ્રેઈન માટે 2 કરોડ રૂપિયા સહિતના વિકાસ કાર્યો માટે ભાવનગર શહેરને સ્વચ્છ, સુંદર, સંસ્કારી, સલામત, સુવિધા સભર અને સમૃદ્ધ બનાવવા માટે વાપરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.