અમેરિકાના કુખ્યાત જાતીય અપરાધી જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલા સેક્સ સ્કેન્ડલમાં શનિવારે એક એવો ખુલાસો થયો છે જેણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ કેસની તપાસ હેઠળ આશરે ૩ લાખ જેટલા ગુપ્ત દસ્તાવેજો સાર્વજનિક કર્યા છે. આ દસ્તાવેજોમાં વિશ્વની અનેક હાઈ-પ્રોફાઈલ હસ્તીઓના નામ અને તેમના શરમજનક કૃત્યોના પુરાવા સામે આવ્યા છે.
જાહેર કરાયેલા રેકોર્ડ્સ અને તસવીરોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, દિવંગત પોપ સિંગર માઈકલ જેક્સન, હોલીવુડ અભિનેતા ક્રિસ ટકર અને બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ જેવી હસ્તીઓના નામ સામેલ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કેટલીક તસવીરોમાં બિલ ક્લિન્ટન યુવતીઓ સાથે હોટ-ટબ અને સ્વિમિંગ પૂલમાં નહાતા અને પાર્ટી કરતા નજરે પડે છે. આ તસવીરોએ અમેરિકી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
મળતી માહિતી મુજબ, દસ્તાવેજો કુલ પાંચ સેટમાં બહાર પાડવામાં આવ્યા છે. જેમાં ૩,૫૦૦ થી વધુ ફાઈલો છે અને તેનો કુલ ડેટા ૨.૫ GB થી વધુ હોવાનું કહેવાય છે. જોકે, ઘણી તસવીરો કયા સ્થળની છે અને કયા સમયની છે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ શકી નથી. તપાસ એજન્સીઓ આ ડેટાનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરી રહી છે.
અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, આ દસ્તાવેજો તપાસ પ્રક્રિયાના ભાગરૂપે જાહેર કરવામાં આવ્યા છે જેથી આ હાઈ-પ્રોફાઈલ કેસના તમામ તથ્યો જનતાની સામે આવી શકે. જેફ્રી એપસ્ટિન પર સગીર છોકરીઓની હેરાફેરી અને યૌન શોષણના ગંભીર આરોપો હતા, અને જેલમાં જ તેના રહસ્યમય મૃત્યુ બાદ આ કેસ વધુ ગૂંચવાયો હતો. હવે જ્યારે આટલી મોટી સંખ્યામાં દસ્તાવેજો અને પુરાવાઓ સાર્વજનિક થયા છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મોટા માથાઓની મુશ્કેલીઓ વધી શકે તેમ છે.

