પટના : બિહાર વિધાનસભા ચૂંટણીને પગલે ભારત ચૂંટણી પંચ (ECI) સાથે વિવિધ રાજકીય પક્ષોની મહત્વપૂર્ણ બેઠક શનિવારે યોજાવાની છે. મુખ્ય ચૂંટણી અધિકારી કચેરી દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર, આ બેઠક પટનાના હોટલ તાજમાં સવારે 10 થી બપોર 12 વાગ્યા સુધી યોજાશે. બેઠકનું અધ્યક્ષત્વ મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર કરશે. પત્રમાં જણાવાયું છે કે આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા અંગેની તૈયારીઓ પર ચર્ચા થશે અને ચૂંટણી પંચ રાજકીય પક્ષો પાસેથી સૂચનો પણ લેશે. દરેક પક્ષના વધુમાં વધુ ત્રણ પ્રતિનિધિઓની હાજરી મંજૂર રહેશે. ચૂંટણી પંચે તમામ પાર્ટીઓની ઉપસ્થિતિની ખાતરી કરવા માટે મુખ્ય ચૂંટણી અધિકારીને સૂચના આપવા વિનંતી કરી છે.
મુખ્ય ચૂંટણી અધિકારી અમિત કુમાર પાંડેએ દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર, આ બેઠકમાં આમ આદમી પાર્ટી (AAP), બહુજન સમાજ પાર્ટી (BSP), ભારતીય જનતા પાર્ટી (BJP), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ), ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, નેશનલ પિપલ્સ પાર્ટી, જનતા દળ (યુનાઇટેડ), રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી, લોક જન શક્તિ પાર્ટી (રામવિલાસ), રાષ્ટ્રીય જનતા દળ (RJD), રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી અને CPI (ML) લિબરેશનના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિહારમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ વિવિધ રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ વધારે વેગવંતી બનાવી છે અને વિધાનસભાની ચૂંટણીને લઈને રણનિતી તૈયાર કરી રહ્યાં છે.