દિલ્હીઃ બિહારના મુઝફ્ફરપુર આંખની હોસ્પિટલમાં 26 લોકોની દ્રષ્ટિ ગુમાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. 22 નવેમ્બરના રોજ, ટ્રસ્ટ દ્વારા સંચાલિત આંખની હોસ્પિટલમાં પીડિતોનું મફત મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બીજે દિવસે પાટો ખોલ્યા પછી તેમને કંઈ દેખાયું નહીં જ્યારે ફરિયાદ સિવિલ સર્જન સુધી પહોંચી ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો હતો. ગંભીર ચેપથી પીડિત 15 દર્દીઓને પટના મોકલવામાં આવ્યા છે.
સિવિલ સર્જન ડૉ. વિનય કુમાર શર્માએ જણાવ્યું કે ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે. હોસ્પિટલમાં, એક જ તારીખે કુલ 60 દર્દીઓની આંખોનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અડધો ડઝન દર્દીઓને એસકેએમસીએચમાં રીફર કરવામાં આવ્યા છે અને સારવાર શરૂ કરવામાં આવી છે. પટનામાં ઘણા દર્દીઓની સારવાર ચાલી રહી છે. ચાર-પાંચ દર્દીઓ હજુ પણ આંખની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આંખોની રોશની ગુમાવનાર દર્દીઓના પરિવારમાં આક્રોશ ફેલાયો છે. તમામને વળતર ચુકવવાની માંગણી કરવામાં આવી છે. લેખિત ફરિયાદમાં રામમૂર્તિ સિંહ, કૌશલ્યા દેવી, પન્ના દેવી, સાવિત્રી દેવી અને પ્રેમા દેવી વગેરેના સંબંધીઓએ જણાવ્યું હતું કે 22 નવેમ્બરે મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પછી આંખોમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ઘણા દર્દીઓને તેમની આંખો દૂર કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું. આ બનાવને પગલે જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
(PHOTO-FILE)