Site icon Revoi.in

કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યાનો ભાજપનો આક્ષેપ

Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના ત્રીજા દિવસે ભારે હંગામો થયો હતો. પહેલા કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ કમલનાથના મીડિયા સંયોજક ભાજપમાં જોડાયા હતો. તેના થોડા સમય બાદ ભાજપે આરોપ લગાવ્યો હતો કે, ખરગોનમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલની હાજરીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. તેમજ વીડિયો જાહેર કરાયો હતો. જો કે, કોંગ્રેસે આ વીડિયોને ખોટો ગણાવીને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ચૌહાણે ટ્વીટ કર્યું હતું કે ભારત જોડો યાત્રામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા, ભારતને એક કરવાના છે કે ભારતને તોડનારાઓને એક કરવાના છે. ભારત પહેલા પણ તૂટી ગયું છે, શું ફરી ભારતને તોડવાનો ઈરાદો છે? પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારાઓને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, કોંગ્રેસે વળતો જવાબ આપ્યો કે તે રાહુલ ગાંધીનો ડર હતો જે ભાજપમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે. બનાવટી વીડિયો દ્વારા જૂઠ ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ પણ આ વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, ખૂબ જ શરમજનક! ખરગોનમાં, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ખુલ્લેઆમ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા, દેશને તોડવાની કોંગ્રેસની માનસિકતા ફરીથી છતી થઈ. વારંવાર સાબિત થઈ રહ્યું છે કે આ બ્રેક ઈન્ડિયાની યાત્રા છે. રાહુલ ગાંધીએ આ નિંદનીય કૃત્ય માટે દેશની માફી માંગવી જોઈએ.

(Photo-file)

Exit mobile version