Site icon Revoi.in

છોટા ઉદેપુરના ક્વાંટના ઘેર’ના મેળામાં આદિવાસી ઉત્સવમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ પણ જોડાયાં

Social Share

છોટાઉદેપુરઃ લોકસભાની ચૂંટણીને લીધે વિવિધ સામાજિક મેળાવડાઓમાં રાજકીય નેતાઓ હાજરી આપીને લોકમત અંકે કરવાનો ઉદેશ્ય રાખતા હોય છે. જિલ્લાના કવાંટ ખાતે ઘેર’નો મેળો યોજાયો હતો. જેમાં લાખોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યાં હતા અને નાચગાન કરી મેળાનો આનંદ લેતા નજરે પડ્યાં હતા. બીજી બાજુ રાજકીય નેતાઓ પણ આદિવાસીઓના ઉત્સાહમાં જોડાયા હતા.

છોટા ઉદેપુરના કવાંટમાં દર વર્ષની જેમ આ વર્ષે આદિવાસીઓનો ઘેરનો મેળો પરંપરાગતરીતે યોજાયો હતો. જેમાં લાખોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા અને આખા કવાંટમાં પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી તેટલી હદે માનવ મહેરામણ ઉમટ્યું હતું. આદિવાસીઓ આ મેળામાં નાચગાન કરીને પ્રમોદ કરતા નજરે પડ્યા હતાં. ત્યારે બીજી બાજુ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપમાં નેતાઓ પણ ઘેરના મેળામાં આવી પહોંચતા ઘેરનો મેળો રાજકિય રંગે રંગાયો હતો.

ક્વાંટના સુપ્રસિદ્ધ આદિવાસીઓના ઘેરના નામે ઓળખાતા લોક મેળામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના આદિવાસી નેતા સુખરામ રાઠવા તેમજ  પૂર્વ સાંસદ નારણ રાઠવા, પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવા, લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા તેમજ હજારો આદિવાસીઓ નાચગાન કરતા નજરે પડ્યા હતા. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠરના ઉમેદવાર ચૈતર વસાવા પણ નાચગાન કરતા નજરે પડ્યા હતા.

હોળીએ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે. આદિવાસીઓ દિવાળી કરતા હોળીના તહેવારને ખૂબ જ ધામધૂમપૂર્વક મનાવે છે. હોળીના પાંચ દિવસ સુધી તેઓ પારંપરિક રીતે નાચગાન કરી મેળાઓમાં જઈને આનંદ પ્રમોદ કરતા જોવા મળે છે. કવાંટ ખાતે છોટા ઉદેપુર જિલ્લાના અને આદિવાસીઓમાં સૌથી મહત્વનો એવો વિશ્વ પ્રસિદ્ધ ઘેરનો મેળો યોજાયો હતો. આ મેળામાં “હૈયાથી હૈયું અથડાય” તેટલી ભીડ જોવા મળતી હતી. લાખો આદિવાસીઓ અવનવી વેશભૂષામાં સજ્જ થઈને આનંદ કરતા જોવા મળ્યા હતા.