Site icon Revoi.in

કોંગ્રેસના પરેશ ધાનાણીએ સોશ્યલ મીડિયા પર કરેલા વ્યંગનો ભાજપે આપ્યો જવાબ

Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે સવા મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સોશ્યલ મીડિયા પણ પ્રચારનું માધ્યમ બની રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને ભાજપના નેતા યજ્ઞેશ દવે વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થયો છે. પરેશ ધાનાણીએ ‘X’ પર ભાજપ પર પ્રહાર કરતા એક કવિતા લખી હતી. ત્યારબાદ તેના જવાબમાં યજ્ઞેશ દવેએ જવાબ આપ્યો હતો.

ભાજપમાં આંતરિક વિરોધ, દિગ્ગજોની ટિકિટ કપાવા જેવા મુદ્દાઓને સાંકળીને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ભાજપને આડે હાથ લઈ રહ્યા છે. પરેશ ધાનાણીએ ટ્વિટર (X) પર ‘કમલમમાં કકળાટ.. 2004નું પુનરાવર્તન પાક્કું.!’ શીર્ષક સાથે ટ્વિટ કર્યું હતું. ત્યારબાદ ધાનાણીએ બીજું ટ્વિટ કર્યું છે જેનું શીર્ષક છે “હા પાડીને, હેઠા બેસાડયા”. જેમાં પણ તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા.કે ભીખુસિંહને ભોઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાડ ઢીલી, ધડૂકના ઢોલ પીટી નાખ્યા, રુપાણીને રમતા મુક્યા, મુંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂંસાઈ ગયા, કેસી બની ગયા દેશી, અને મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો.! પરેશ ધનાણીના આ વ્યંગથી રમુજ પેદા થતાં જ ભાજપે પણ વ્યંગ કરીને જ જવાબ આપ્યો હતો. ત્યારબાદ ધાનાણીએ એક્સ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે ‘ભાજપમાં આંતરિક અસંતોષનો ઉભરો શમતો નથી’ના હેડિંગ સાથેનું ન્યૂઝ પેપરનું કટિંગ પોસ્ટ કરી લખ્યું કે, લોકસભા 2024 હાલ “કમલમ”માં કકળાટ, જ્યારે “કોંગ્રેસ” ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કું.! જેના જવાબમાં ભાજપે જવાબ આપ્યો હતો કે, કોંગ્રેસ ટના ટન નહીં કોંગ્રેસ “ના” પાડવામાં ટનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના હોમ ટાઉન ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મુકવી પડી, રાજકોટથી પરેશ ધાનાણીની ટનાટન “ના “, અમરેલીથી પ્રતાપ દુધાતની ટનાટન “ના”, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટન “ના”, આણંદથી ભરત સોલંકીની ટનાટન “ના”, પાટણથી જગદીશ ઠાકોરની ટનાટન “ના”, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની ટનાટન “ના”, અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની ટનાટન “ના” આમ કોંગ્રેસ ટના ટન નહીં કોંગ્રેસ “ના” પાડવામાં ટનાટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન.

ભાજપ અને કોંગ્રેસના નેતાઓના સોશ્યલ મીડિયા પર ચાલી રહેલા સામસામે વ્યંગથી રાજકીય માહોલમાં પણ રમુજ પ્રસરી ગઈ છે. જે પક્ષના કાર્યકર્તાઓ હોય તે પોતપોતાની રીતે જવાબો આપી રહ્યા છે.