Site icon Revoi.in

દક્ષિણ આફ્રિકામાં લોહિયાળ ખેલ: જોહાનિસબર્ગની વસાહતમાં અંધાધૂંધ ફાયરિંગ, 12 ના મોત

Social Share

જોહાનિસબર્ગ, 10 જૂન 2026: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના પૂર્વ ભાગમાં આવેલા ક્લીવલેન્ડ વિસ્તારની એક અનૌપચારિક વસાહત (ઝૂંપડપટ્ટી) માં રાત્રે સશસ્ત્ર હુમલાખોરોએ આતંક મચાવ્યો હતો. હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ અને બેફામ ગોળીબારમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે. આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે સનાટો અને દહેશતનો માહોલ વ્યાપી ગયો છે.

દક્ષિણ આફ્રિકન પોલીસ સર્વિસ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર વિગતો અનુસાર, મંગળવારે રાત્રે ‘જમ્પર્સ’ નામની અનૌપચારિક વસાહતમાં સામૂહિક ગોળીબાર થયો હોવાની માહિતી કંટ્રોલ રૂમને મળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, અંદાજે 10 થી વધુ હથિયારધારી શંકાસ્પદ હુમલાખોરો એક સફેદ રંગની ‘ટોયોટા ક્વાન્ટમ’ કારમાં સવાર થઈને આવ્યા હતા. આ હુમલાખોરોને ક્લીવલેન્ડમાં એક પેટ્રોલ પંપ નજીક ઉતારવામાં આવ્યા હોવાના પુરાવા મળ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, વસાહતમાં આતંક ફેલાવવા માટે હુમલાખોરોએ વ્યુહાત્મક રીતે બે અલગ-અલગ રસ્તાઓનો ઉપયોગ કર્યો હતો જેથી કોઈ ભાગી ના શકે. વસાહતમાં ઘૂસ્યા બાદ તેઓ ગલીઓમાં ફરતા રહ્યા હતા અને જે પણ રહીશ સામે આવ્યો તેના પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ કાયરતાપૂર્ણ હુમલાને અંજામ આપ્યા બાદ તમામ શંકાસ્પદ શૂટર્સ ફરીથી એ જ સફેદ ટોયોટા ક્વાન્ટમ કારમાં બેસીને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હતા.

મિલિટરી અને સ્થાનિક પોલીસે હુમલાખોરોને પકડી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

હુમલાની તીવ્રતા એટલી ભયાનક હતી કે પોલીસને વસાહતના જુદા જુદા ખૂણાઓમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહો અને ઘાયલો મળી આવ્યા હતા. મેડિકલ ટીમે ઘટનાસ્થળે જ 8 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 11 લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બાકીના 9 ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ આખી ઘટના પાછળ હુમલાખોરોનો હેતુ કે દુશ્મનાવટ શું હતી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે આ મામલે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ થઈ શકી નથી. મિલિટરી અને સ્થાનિક પોલીસે હુમલાખોરોને પકડી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને સામાન્ય જનતાને આ અંગે કોઈ પણ માહિતી હોય તો પોલીસને આપવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા હાલ વિશ્વમાં સૌથી વધુ ક્રાઇમ રેટ અને હત્યાના દર ધરાવતા દેશોમાં મોખરે છે.

Exit mobile version