Site icon Revoi.in

મુંબઈમાં BMCનો સીરો સર્વેઃ 50 ટકાથી વધારે બાળકોમાં કોરોના સામે લડવાની એન્ટીબોડી

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ થઈ છે. તેમજ ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની ચર્ચાઓ થઈ રહી છે. દરમિયાન બાળકો ઉપર કરવામાં આવેલા સીરો સર્વેમાં સામે આવ્યું છે કે, મુંબઈમાં એકથી 18 વર્ષના લગભગ 51.18 ટકા બાળકો કોરોના વાયરસ સામે લડવાની એન્ટીબોડી ધરાવે છે. બીએમસીએ કહ્યું હતું કે, એપ્રિલ અને જૂન વચ્ચે થયેલા સર્વેમાં કુલ 2176 નમૂનાની તપાસ કરવામાં આવી હતી.

બીએમસીના બીવાઈએલ નાયર હોસ્પિટલ અને કસ્તૂરબા મોલિક્યુલર ડાયગ્રોસ્ટિક લેબોરેટરી મારફતે આ સર્વે કરવામાં આવ્યો હતો. સીરો-સર્વેક્ષણમાં લોકોના ગૃપના રક્ત સીરમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બીએમસીએ કોરોનાની બીજી લહેર દરમિયાન જ બાળકોના સીરો-સર્વેનો નિર્દેશ કર્યો હતો.

બીએમસીએ જણાવ્યું હતું કે, મહામારીની શરૂઆત બાદ કરવામાં આવેલો આ ત્રીજો સીરો-સર્વે છે. E આ સર્વે તા. 1 એપ્રિલથી 15મી જૂન વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં પેથોલોજી લેબમાં 2176 લોહીના નમૂના એકત્ર કરવામાં આવ્યાં હતા. આ અભ્યાસમાં એવુ બહાર આવ્યું છે કે, 50 ટકાથી વધારે બાળકો પહેલા જ સાર્સ-કોવ-2ની ઝપટે આવી ચુક્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં સૌથી વધારે પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં આવ્યાં હતા. જો કે, હાલ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત ઘટી રહ્યાં છે. જો કે, કોરોનાની ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ત્રીજી લહેરમાં સૌથી વધારે બાળકોને અસર થવાની ચર્ચાઓ થઈ રહી છે.