Site icon Revoi.in

રાજકોટ-ગોવાની જન્માષ્ટમી તહેવારોની ફ્લાઈટ્સનું બુકિંગ હાઉસફુલ: ભાડુ વધીને રૂા.15000

Social Share

રાજકોટઃ કોરોના લહેર શાંત પડતા છેલ્લા દોઢ વર્ષથી પર્યટન સ્થળોએ નહી જઈ શકનારા પ્રવાસીઓ આગામી જન્માષ્ટમીના તહેવારોમાં ગોવા જવા ઉત્સુક બન્યા છે. જન્માષ્ટમી પર્વના તહેવારો રાજકોટ-ગોવા વિમાની ભાડામાં વધારો છતાં ફલાઈટ ફુલ થવા લાગી છે. અમદાવાદથી પણ જન્માષ્ટમીના તહેવારોની ફ્લાઈટ્સ હુસફુલ બની રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એરપોર્ટ હવાઈ સેવામાં હાલ મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ગોવા જેવા સ્થળોએ આવવા-જવાની ફલાઈટમાં સારો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. રાજકોટ એરપોર્ટ પર ગત 12મી જુલાઈ થી ઈન્ડીગો બાદ સ્પાઈસ જેટની મુંબઈ-દિલ્હી, હૈદરાબાદ, ગોવાની ફલાઈટ શરૂ થતા મંગળ, ગુરુ, શનિવારને બાદ કરતા દિવસોમાં ડેઈલી 8 ફલાઈટનું ઉડ્ડયન શરુ છે. વર્ષો બાદ રાજકોટ-ગોવા ફલાઈટ શરુ થતા રાજકોટ સહિતના પ્રવાસીઓને પર્યટન સ્થળ ગોવા જવાની વિમાની સેવા મળી છે.

હાલ રાજકોટ-ગોવા ફલાઈટનું મુસાફર ટિકીટ ભાડુ રૂા.5000 આસપાસ છે. ડેઈલી 45થી50થી વધુ પ્રવાસીઓ ગોવાની સલેહગાહ માણવા જઈ રહ્યા છે. આગામી જન્માષ્ટમીના દિવસો ટિકીટ દર રૂા.15000 પહોંચ્યો છે. બમણું ભાડુ હોવા છતા આગામી તા.27થી30 ઓગષ્ટનાં દિવસોમાં ફલાઈટ ફુલ રહેશે. જન્માષ્ટમી પર્વમાં રાજકોટ સહિતના પ્રવાસીઓએ ગોવા જવા એડવાન્સ બુકીંગ કરાવ્યા હોવાનું ટ્રાવેલ એજન્ટો જણાવી રહ્યા છે.

ગોવાના ટ્રાફિકને ધ્યાને લઈ સ્પાઈસ જેટ કંપનીએ રાજકોટ-ગોવા ફલાઈટનો 30મી ઓગષ્ટ સુધી શિડયુલ લંબાવ્યો છે. હાલના દિવસોમાં રાજકોટથી દિલ્હી, મુંબઈ, ગોવા જવા-આવવાનો ટ્રાફિક સારો હોવાનું એરલાઈન્સ કંપનીના સૂત્રોમાંથી જાણવા મળેલ છે. કોરોના કાળમાં ઘરમાં જ પુરાયેલા પરિવારો હવે આગામી જન્માષ્ટમી પર્વમાં ગોવાની સલેહગાહ કરવા ઉત્સુક છે. આગામી જન્માષ્ટમી પર્વની રજાઓમાં ગોવા જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અનેક પ્રવાસીઓ ગોવાની ફલાઈટમાં અત્યારથી જ બુકીંગ સાથે હોટલનાં એડવાન્સ બુકીંગ કરાવી દીધા હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version