Site icon Revoi.in

જંત્રીમાં વધારાથી રિઅલ એસ્ટેટમાં મંદીના એંધાણ, બિલ્ડરો દસ્તાવેજી કામગારીનો કાલે બહિષ્કાર કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારે રાતોરાત જંત્રીના દરમાં ડબલ વધારો ઝીંકી દેતા રિયલ એસ્ટેટમાં મંદીના વમળો સર્જાયા છે. ગુજરાત સરકારને ગતવર્ષે સ્ટેમ્પ ડયૂટીની અંદાજે નવ હજાર કરોડ આવક થઇ છે, હવે જંત્રી ડબલ થયા બાદ 18 હજાર કરોડની આવક સરકારને થશે. બિલ્ડરોએ મુખ્યમંત્રીને મળીને રજુઆત કરી હતી. પણ સરકાર પોતાના નિર્ણય પર અડગ છે. બીજીબાજુ ગુજરાત નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સીલ (નારેડકો)ની ગઈકાલે બેઠક મળી હતી. જેમાં જંત્રીના દરમાં તોતિંગ વધારોને વિરોધ કરાયો હતો.આ બેઠકમાં ઉપસ્થિત બિલ્ડરોએ જણાવ્યું હતું કે,  જંત્રીના દરમાં વધારાથી રિયલ એસ્ટેટ બિઝનેસમાં મોટાપાયે મંદી આવશે. એફોર્ડેબલ હાઉસિંગ બનતા અટકશે. જેથી જંત્રીનો અમલ 90 દિવસ પછી વૈજ્ઞાનિક પદ્ધતિથી સરવે કરીને થવો જોઇએ અને જંત્રી વધે તો પરચેઝ એફએસઆઇમાં 50 ટકા રાહત મળવી જોઇએ. કાલે શુક્રવારે દસ્તાવેજ નહીં કરવા બિલ્ડરોએ નિર્ણય કર્યો છે.

નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સીલ (નારેડકો)ના પ્રેસિડેન્ટ સુરેશ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે રાજ્યમાં પરચેઝ એફએસઆઇની 3 હજાર કરોડ આવક સરકારને થઇ હતી. ચાલુ વર્ષે છ હજાર કરોડ થશે. ઉપરાંત 18 ટકા જીએસટી અને અન્ય નાની મોટી આવક મળી ડબલથી પણ વધુ આવક સરકારી તિજોરીની થશે. પરંતુ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અટકી જશે. તમામ પ્રોજેક્ટમાં રિવાઇઝ ઓફર કરવી પડશે.  ઓનલાઇન પ્લાન પાસની અરજીમાં નવી જંત્રી લેવાશે. તો ડેવલપર્સની સાથે ગ્રાહકો પર આર્થિક ભારણ વધશે. એક ટકો રજિસ્ટ્રેશન ફી અથવા વધુમાં વધુ દસ હજારની મર્યાદા દાખલ કરવી જોઇએ. જેનો પ્રોપર્ટી ખરીદનારને લાભ મળે. એફોર્ડેબલ હાઉસિંગની મર્યાદા 45 લાખની છે પરંતુ જંત્રી વધવાના લીધે હવે આ કિંમત વધી જાય છે. કેપિટલ ગેઇન ટેક્સ પર અસર પડશે.

આ બેઠકમાં સામેલ ડેવલપર્સ, કન્સલ્ટન્ટ, બ્રોકર, આર્કિટેક્ટ, સિવિલ એન્જિનિયર સહિતના આગેવાનોએ શુક્રવારથી નવી જંત્રી પ્રમાણે દસ્તાવેજ નહીં કરી વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. શનિ-રવિની રજામાં નિર્ણય લેવાય નહીં તો સોમવારે ફરી બેઠક બોલાવીને આગળનો કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. જંત્રીના ડબલ દરથી એફોર્ડેબલ હાઉસિંગ પર સૌથી વધુ અસર થશે. રિયલ એસ્ટેટ બિઝનેસની સાથે જુદી જુદી 266 ઇન્ડસ્ટ્રીઝ નિર્ભર છે. જેમાં રોજગારી દૂર થઇ જશે. કર્મચારીઓને છૂટા કરવા પડશે. મોટપાયે મંદી સર્જાશે. આ સિવાય નાની-મોટી એજન્સી કામ વિહોણી થઇ જશે.