Site icon Revoi.in

મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની બમ્પર આવક, ઓછા ભાવ મળતા હોવાની ખેડુતોની રાવ

Social Share

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું મબલખ ઉત્પાદ થયું છે.  જિલ્લાના તળાજા અને મહુવા તાલુકામાં ડુંગળીનું રેકર્ડબ્રેક ઉત્પાદન થયુ છે. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની બમ્પર આવક શરૂ થઈ છે. ડુંગળીના ભાવ નીચા જતા ડુંગળી પકવતા ખેડૂતોને માટે ચિંતાનો વિષય બન્યો છે. શનિવારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની 35 હજાર બોરીની આવક થઈ હતી. પરંતુ નવી ડુંગળીના ભાવ 200થી લઈને 350 સુધીના આવતા હોય છે. જે  નહીં નફા કે નહીં નુકસાન બરાબર હોવાનું ખેડુતો કહી રહ્યા છે.

મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવેલા ખેડુતોએ જણાવ્યું હતું કે, ડુંગળીના પુરતા ભાવ મળતા ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. મજૂરી તો શું બિયારણના પૈસા પણ માંડ મળે છે. નીચા ભાવના કારણે ડુંગળી લેતા વેપારીઓને મોટા પ્રમાણમાં નફાનું ધોરણ રહેતું હોય છે. કારણ કે આ વેપારીઓ ડુંગળી નીચા ભાવમાં ખરીદી અને જમા કરતા હોય છે. જ્યારે પણ માર્કેટ ઓછા ભાવે આવે ત્યારે આ જ વેપારી નીચા ભાવની ડુંગળી ઊંચા ભાવે વેચતો હોય છે. ત્યારે ખેડૂતને હવે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો ડુંગળીના ઉત્પાદન માટેનું હબ ગણાય છે. જિલ્લાના મહુવા તાલુકામાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. બિયારણ, ખાતર અને મજૂરી સહિત ગણતા ડુંગળી પાછળ ખેડૂતોએ મોટો ખર્ચ કર્યો હતો. તેમ છતા ભાવ ન મળતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ નવી સરકાર પાસે ડુંગળીના યોગ્ય ભાવ મળે તેવી માંગ કરી છે.

Exit mobile version