Site icon Revoi.in

અર્થતંત્રમાં રિકવરીના સંકેત, હાઉસિંગ ફાઇનાન્સમાં 8-10 ટકાની વૃદ્વિ પરંતુ ગ્રોસ NPA વધી

Social Share

નવી દિલ્હી: અર્થતંત્રમાં રિકવરી અને માંગની તેજીના હવે ધીરે ધીરે સંકેતો મળી રહ્યા છે. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ચાલુ નાણાકીય વર્ષે 8 થી 10 ટકાની વૃદ્વિ દર્શાવે છે. જો કે બીજી તરફ એક નકારાત્મક પાસુ એ પણ છે કે એસેટ્સ ક્વોલિટી ખરડાઇ રહી છે જેને કારણે ગ્રોસ NPA માર્ચ 2022 સુધીમાં 0.4 થી 0.7 ટકા વધી જશે.

ઇકરા અનુસાર, કોરોનાની બીજી લહેરની અસરને કારણે વિતરણ અને કલેક્શન ક્ષમતા વિપરિત રીતે પ્રભાવિત થઇ છે જેને કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ઑન-બૂક પોર્ટફોલિયોમાં સામાન્ય વૃદ્વિ જોવા મળી છે. જો કે જૂન 2021ના અંત સુધીમાં કલેક્શન ફરી શરૂ થયું અને તેમાં સુધારો જોવા મળ્યો.

આ સેગમેન્ટની ગ્રોસ એનપીએ માર્ચ-21ના અંતે 2.9 ટકા હતી જે વધીને જૂન-21માં 3.6 ટકા થઇ હતી. આ સેગમેન્ટમાં એસેટ્સ ક્વોલિટી ખરડાઇ છે, જેમાં કન્સ્ટ્રક્શન ફાઇનાન્સની સૌથી વધુ અને ત્યારબાદ પ્રોપ્રટી સામે લોન અને હોમ લોનની ગુણવત્તા બગડી છે. આ સ્થિતિને જોતા માર્ચ 2022 સુધીમાં ગ્રોસ એનપીએ 0.4થી 0.7 ટકા વધવાની સંભાવના છે, જેમાં ભવિષ્યમાં કોરોનાની નવી લહેર કે લોકડાઉનની સંભાવના સામેલ નથી.

ભારતમાં હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓનો એકંદર ઑન-બુક પોર્ટફોલિયો 30 જૂન, 2021 સુધીમાં રૂ. 11 લાખ કરોડ હોવાનો અંદાજ છે, જેમાં હોમ લોન, પ્રોપર્ટી સામેની લોનના, બાંધકામ માટે ધિરાણ, અને લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગનો સમાવેશ થાય છે.

એજન્સીએ અહેવાલમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગમાં તંદુરસ્ત માંગ, આર્થિક પ્રવૃત્તિનું વધતું સ્તર અને દેશમાં વધતા રસીકરણને કારણે નાણાંકીય વર્ષ 2022માં લોન વિતરણમાં સ્થિર વૃદ્ધિ અને ક્લેક્શનમાં સુધારો થવાની અપેક્ષા છે.