Site icon Revoi.in

UPI ઇન ટ્રેન્ડ: ઑક્ટોબરમાં 2 અબજથી વધુ UPI ટ્રાન્ઝેક્શન નોંધાયા

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના કાળ દરમિયાન લોકોએ ડિજીટલ ટ્રાન્ઝેક્શનને વધારે પ્રાધાન્ય આપ્યું હોવાનું પ્રતિત થાય છે. હકીકતમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચૂકવણી પ્લેટફોર્મ યુનાઇટેડ પેમેંટ્સ ઇન્ટરફેસ દ્વારા ઑક્ટોબર માસમાં 3.86 લાખ કરોડ રૂપિયાના 2 અબજથી વધુ ટ્રાન્ઝેક્શન થયા છે. ઑક્ટોબરના પ્રથમ 15 દિવસ દરમિયાન લેવડ દેવડના આંકડા 1 અબજને પાર થઇ ગયા હતા.

NPCIના ડેટાથી માહિતી પ્રાપ્ત થાય છે કે ઑક્ટોબર દરમિયાન યુપીઆઇમાં 2.07 અબજ લેણદેણ થઇ છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ લેણદેણની સરખામણીએ 82 ટકા વધુ છે. ઑક્ટોબર 2019માં પ્રથમ વખત એક અબજ લેણદેણનો આંકડો પાર થયો હતો. યુપીઆઇથી 1 અબજ લેણદેણ પર પહોંચવામાં 3 વર્ષ લાગ્યો તો બીજી તરફ 1 અબજથી 2 અબજ ટ્રાન્ઝેક્શન પર પહોંચતા માત્ર 1 વર્ષ જ લાગ્યું છે.

નોંધનીય છે કે કોરોના મહામારીને કારણે લાગુ પડેલા લોકડાઉનથી એપ્રિલમાં લેણદેણ ઝડપથી ઘટી ગઇ છે. આ વર્ષે એપ્રિલમાં યુપીઆઇ ટ્રાન્ઝેક્શન ઘટીને 0.99 અબજ થઇ ગયું છે. આ બાદ યુપીઆઇ લેવડદેવડ બમણાથી વધુ ગયું છે. નિષ્ણાંતોનું માનવું છે કે ઇ-કોમર્સ પ્લેટફોર્મોએ યુપીઆઇ લેણદેણની ઝડપમાં મહત્વનું યોગદાન આપ્યું છે. કારોબાર ખુલવાની સાથોસાથ યુપીઆઇથી પણ ચૂકવણી વધી રહી છે તેવું ભારત પેના સીઇઓ અને સહ સંસ્થાપક અશનીર ગોયલે જણાવ્યું હતું.

(સંકેત)