Site icon Revoi.in

શેરમાર્કેટમાં રોકાણનો વધતો ટ્રેન્ડ, છેલ્લા 9 માસમાં 63 લાખ નવા ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં

Social Share

મુંબઇ: કોરોના કાળમાં ખાસ કરીને લોકોની આવક અને રોજગારને ફટકો પડ્યો છે ત્યારે લોકો આવક માટે કમાણીના નવા સ્ત્રોતની શોધમાં મોટા પાયે શેરબજાર તરફ વળી રહ્યા છે. વર્તમાન વર્ષના છેલ્લા 9 મહિનામાં દેશમાં 63 લાખ નવા ડીમેટ ખાતા ખૂલ્યાનું સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના આંકડા જણાવે છે. દેશમાં હાલમાં ડીમેટ ખાતાની સંખ્યા વધીને 4.44 કરોડ પર પહોંચી ગઇ છે.

રોકાણકારો દ્વારા ખરીદી કરાતા શેર્સ તથા સિક્યોરિટીઝને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાળવવા માટે ડીમેટ ખાતાનો ઉપયોગ થાય છે. માર્ચની નીચી સપાટીએથી નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 70 ટકાનો વધારો જોવા મળ્યો છે.

છેલ્લા 9 મહિનામાં ખોલાવાયેલા નવા ખાતામાં મોટા ભાગના ખાતા મહાનગર વિસ્તારો કરતાં દ્વીતિય અને તૃતિય શ્રેણીના શહેરો ખાતેથી વધુ ખૂલ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. જે દેશના દૂરના વિસ્તારોમાંથી ઇક્વિટી માર્કેટ પ્રત્યેના વધતા આકર્ષણના સંકેતો આપે છે. એક વિશ્લેષક અનુસાર લોકડાઉનમાં લોકો ઘર બેઠે નાણાં કમાવવા માટે શેરબજારમાં રોકાણને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.

સેબીના આંકડા પર નજર કરીએ તો ખાસ કરીને તેંલગાણા તથા આંધ્રપ્રદેશના નાના શહેરોમાંથી ખાતામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. શેરબજારની સાથોસાથ દિવસે દિવસે ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ પણ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોરોનાને કારણે તાજેતરના સમયમાં બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીઝના વેપારમાં નોંધપાત્ર વૃદ્વિ જોવા મળી છે.

(સંકેત)

Exit mobile version