Site icon Revoi.in

NPS-અટલ પેન્શન યોજનામાં જોડાનારા લોકોની સંખ્યામાં 24%ની વૃદ્વિ

Social Share

નવી દિલ્હી: PFRDA અર્થાત્ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીએ અટલ પેન્શન યોજના અને નેશનલ પેન્શન સિસ્ટમના ડેટા જાહેર કર્યા છે. આ અંતર્ગત છેલ્લા 1 વર્ષમાં આ યોજનાઓમાં જોડાનારા લોકોની સંખ્યામાં 24 ટકાની વૃદ્વિ થઇ છે.  તે ઉપરાંત નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ વિવિધ યોજનાઓમાં સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા વધીને 4.35 કરોડ થઇ ગઇ છે. ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન બંને યોજનાઓ સાથે જોડાયેલા સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 3.59 કરોડ હતી.

PFRDA અનુસાર 30 જૂન, 2021 સુધીમાં કુલ પેન્શન એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ રૂ. 6.17 લાખ કરોડ હતી. જે વાર્ષિક ધોરણે 32.67 ટકાની વૃદ્વિ દર્શાવે છે. 30 જૂન સુધીમાં અટલ પેન્શન યોજના હેઠળ ગ્રાહકોની સંખ્યા 33.95 ટકા વધીને 2.88 કરોડ થઇ છે.

આપને જણાવી દઇએ કે અટલ પેન્શન યોજના હેઠળ 60 વર્ષ થાય ત્યારે દર મહિને પેન્શન તરીકે 1000 થી 5000 રૂપિયા મળે છે. આમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીની વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે. જો કોઇ વ્યક્તિ આ સ્કીમ લે તો તેને ઓછામાં ઓછું 20 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. યોજાનામાં જોડાવવા માટે બચત બેંક ખાતુ, આધાર તેમજ સક્રિય મોબાઇલ નંબર હોવો આવશ્યક છે. દર મહિને પેન્શન મેળવવા માટે ગ્રાહકે 42 થી 210 રૂપિયા ચૂકવવા પડશે.