Site icon Revoi.in

કેન્દ્ર સરકારે 16 રાજ્યોને GSTના વળતર પેટે કુલ 6000 કરોડનો હપ્તો ચૂકવ્યો

Social Share

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જીએસટીની આવકમાં થયેલ ઘટાડા અંગે રાજ્યોને વળતર આપવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્ર સરકારે 16 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોને જીએસટીના વળતરના બીજા હપ્તા પેટે 6000 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. આ 16 રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, આસામ, દિલ્હી અને જમ્મૂ કાશ્મીર પણ સામેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,અગાઉ 23 ઑક્ટોબરના રોજ જીએસટી વળતરના પ્રથમ હપ્તા પેટે 6000 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જીએસટીની આવકમાં થયેલા ઘટાડા અંગે રાજ્યોને વળતર ચૂકવવા કેન્દ્ર સરકાર કુલ 1.1 લાખ કરોડ રૂપિયા ઉધાર લેશે.

સરકારે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જીએટલી કલેક્શનમાં ઘટાડાની સમસ્યાના ઉકેલ માટે સ્પેશિયલ બોરોઇંગ વિન્ડોની વ્યવસ્થા કરી હતી. 21 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોએ આ અંગે સંમતિ વ્યક્ત કરી હતી. આમાંથી 5 રાજ્યોની જીએસટી આવકમાં ઘટાડો થયો નથી.

નાણા મંત્રાલયે જારી કરેલા નિવેદન અનુસાર કેન્દ્ર સરકારે બીજા હપ્તાના સ્વરૂપમાં આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, ઓડિશા, તામિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને જમ્મૂ કાશ્મીરને જીએસટીની આવકમાં થયેલા ઘટાડા અંગે વળતર આપ્યું છે.

મહત્વનું છે કે નાણાં મંત્રાલયના આયોજન મુજબ તે દર સપ્તાહે રાજ્યોને 6000 કરોડ રૂપિયા વળતર પેટે ચૂકવશે. સરકારે 5.19 ટકાના દરે ઉધાર લેશે. આ ઉધાર પરત ચૂકવવાની મુદ્દત 3 થી 5 વર્ષની રહેશે.

(સંકેત)