Site icon Revoi.in

તેજી: બિટકોઇન 20,000 ડોલરની સપાટીને સ્પર્શી પરત ફર્યો

Social Share

અમદાવાદ: સાંપ્રત સમયમાં કોરોના વાયરસની મહામારી અને તેની વેક્સીન વિશે સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ થઇ રહી છે પરંતુ તેના કરતાં પણ વધુ જો કોઇ વિષયની ચર્ચા ચકડોળે ચડી હોય તો તે છે બિટકોઇન.

ક્રિપ્ટોકરન્સીનો રાજા ગણાતો બિટકોઇન માત્ર છેલ્લા 4 મહિનામાં શાનદાર ઉછાળા સાથે આજે 20,000 ડોલરની ઐતિહાસિક સપાટીની નજીક પહોંચી પરત ફર્યો છે. ઓનબોર્ડ ભાવ 20,000 નથી જોવા મળ્યો પરંતુ 19,920ની ઓલટાઇમ હાઇ બનાવી ઉપલા મથાળેથી 2 ટકા ઘટીને બિટકોઇન 19.130 ડોલર નજીક ટ્રેડ કરી રહ્યો છે.

ગત સપ્તાહમાં ભારે વોલેટાઇલ રહ્યા બાદ ક્રિપ્ટોકરન્સી બિટકોઇને છેલ્લા 24 કલાકમાં નવી વિક્રમી સપાટી દર્શાવીને 2017નો રેકોર્ડ તોડ્યો હતો. ખાસ કરીને સંસ્થાકીય રોકાણકારોની વધેલી રૂચી અને વિશ્વની કેન્દ્રીય બેંકો દ્વારા પોતાની બજારોમાં લિક્વિડિટી વધારવાના લેવાઇ રહેલા પગલાંને પરિણામ સ્વરૂપ બિટકોઇનમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનનો ભાવ ઊપરમાં પ્રતિ યુનિટ 19864 ડોલરની નવી સપાટીએ જોવા મળ્યો હતો. મોડી સાંજે 19710 ડોલર બોલાતો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોકરન્સીઝમાં પણ વધારો જોવા મળ્યો હતો. બિટકોઈનના ભાવમાં  ગયા સપ્તાહમાં એક જ દિવસમાં 3000 ડોલરની ભારે અફરાતફરી જોવા મળી હતી.

આપને જણાવી દઇએ કે ફરી આવેલા ઉછાળાને કારણે વર્તમાન વર્ષમાં બિટકોઇનના ભાવમાં 170 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. વિવિધ એક્સચેન્જો પર બિટકોઇનની સાથોસાથ અન્ય ક્રિપ્ટોકરન્સીઝ જેમ કે એથર, સ્ટેલર, એક્સઆરપીમાં પણ 4 થી 10 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

વર્ષ 2017માં 19666 ડોલરની ઓલટાઇમ હાઇ સપાટી બતાવ્યા બાદ બિટકોઇનું ભારે ધોવાણ થયું હતું. કોરોના કાળમાં રોકાણ સાધન તરીકે બિટકોઇનને લોકો વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. અમેરિકાના એનાલિસ્ટો દ્વારા બિટકોઇનને લઇને સકારાત્મક મત વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

(સંકેત)