Site icon Revoi.in

ભારત ટૂંક સમયમાં 400 અબજ ડોલરની નિકાસનો લક્ષ્યાંક સિદ્વ કરશે

Social Share

નવી દિલ્હી: ભારત વધુ એક સિદ્વિ તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે કહ્યું હતું કે ભારત ચાલુ નાણાકીય વર્ષમાં 400 અબજ ડૉલરનો નિકાસ લક્ષ્યાંક સિદ્વ કરવાની તૈયારીમાં છે. ભારતે પ્રથમ પાંચ મહિનામાં 164 અબજ ડોલરની નિકાસ નોંધાવી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, વાણિજ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી શ્યામલ મિશ્રાએ જણાવ્યું હતું કે, સરકારે 400 અબજ ડોલરનો મૂકેલો નિકાસ લક્ષ્યાંક મહત્વાકાંક્ષી છે, છતાં પણ ભારત તેને સિદ્વ કરવાના માર્ગ પર છે. તેના લીધે એક વિશ્વાસ છે કે ચાલુ વર્ષે 400 અબજ ડોલરની નિકાસનો લક્ષ્યાંક હાંસલ થઇ શકે છે. ભારતના ઉદ્યોગ અને નિકાસકારોએ ઘણી સારી કામગીરી કરી છે.

તેમણે જણાવ્યું હતું કે ભારતની 60 ટકા જેટલી નિકાસ એન્જિનિયરિંગ ગૂડ્સ, હીરા અને ઝવેરાત, ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોલિયમ અને કેમિકલ્સ છે. આપણને આપણી નિકાસ માટે નવી પ્રોડક્ટ્સની અને નવા સ્થળોની જરુર છે. અમારી નિકાસકારોને વિનંતી છે કે તે એમએસએમઇ સાથે, ખેડૂતો સાથે, માછીમારો સાથે તેમની ભાગીદારી વધારે મજબૂત બનાવે અને આપણા સ્ટાર્ટ-અપ્સને પ્રમોટ કરે, એમ તેમણે ઉમેર્યુ હતું.

નિકાસમાં ગુજરાતના હિસ્સાને લઇને તેમણે ઉમેર્યું હતું કે, ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 20 ટકાથી પણ વધુ છે. રોગચાળો પૂરો થઇ ગયો છે ત્યારે અને ગુજરાત ચેતનવંતુ બની ગયું છે ત્યારે વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં સમગ્ર દેશમાં ગુજરાતમાંથી નિકાસનો ફાળો 25 ટકાને વટાવી જાય તેમ માનવામાં આવે છે.