Site icon Revoi.in

કોવિડ-19 ઇફેક્ટ: દેશમાં સોનાની કુલ માંગ 30% ઘટી, દાગીનાનું વેચાણ પણ 48% ઘટ્યું

Social Share

મુંબઇ: વિશ્વમાં ભારત સોનાની ખરીદીના મામલે બીજા ક્રમે છે અને પીળી કિંમતી ધાતુ સોના પ્રત્યેનો ભારતીયોનો લગાવ જગજાહેર છે. જો કે આ વખતે કોરોના મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી સર્જાયેલી આર્થિક અનિશ્વિતતા અને વિક્રમી ઉંચાઇએ પહોંચેલા ભાવથી સોનાની માંગ ગંભીર રીતે પ્રભાવિત થઇ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા પ્રમાણે ભારતમાં જુલાઇથી સપ્ટેમ્બર 2020ના ત્રિમાસિક ગાળા દરમિયાન સોનાની માંગ વાર્ષિક તુલનાએ 30 ટકા ઘટીને 86.6 ટન નોંધાઇ છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં સોનાની માંગ 123.9 ટન રહેવા પામી હતી.

પીળી કિંમતી ધાતુના આસમાને પહોંચેલા ભાવને કારણે મૂલ્યની દૃષ્ટિએ પણ સોનાની માંગમાં વધારે ઘટાડો થયો છે. સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ભારતમાં સોનાની આયાત મૂલ્યની રીતે માત્ર 4 ટકા ઘટીને 39,510 કરોડ રૂપિયા રહી છે જે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં 41300 કરોડ રૂપિયાની મૂલ્યની સોનાની આયાત કરાઇ હતી.

સોનાના દાગીનાની માંગની વાત કરીએ તો દેશમાં સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં દાગીનાની માંગ 48 ટકા ઘટીને 52.8 ટન રહી છે જે વર્ષ પૂર્વેના સમાન ત્રિમાસિક ગાળા દરમિયાન 101.6 ટન રહી હતી. મૂલ્યની રીતે સોનાના દાગીનાની માંગ 20 ટકા ઘટીને 24100 કરોડ રૂપિયા નોંધાઇ છે જે જુલાઇથી સપ્ટેમ્બર 2019ના ત્રિમાસિક ગાળામાં 33850 કરોડ રૂપિયા હતી.

જો કે આનાથી વિપરીત સપ્ટેમ્બરમાં રોકાણ માટે સોનાની માંગ 52 ટકા વધીને 33.8 ટન રહી છે જે વર્ષ 2019ના સમાન ક્વાર્ટરમાં 22.3 ટન હતી. મૂલ્યની રીતે સોનાની રોકાણ માંગ 107 ટકા વધીને 15410 કરોડ રૂપિયા થઇ છે જે વર્ષ પૂર્વેના સમાન ત્રિમાસિક ગાળા દરમાયન 7450 કરોડ રૂપિયા હતી.

(સંકેત)

Exit mobile version