Site icon Revoi.in

તહેવારોની સીઝનમાં ધૂમ ખરીદી, નવેમ્બરમાં રિટેલ વેચાણમાં 9% વૃદ્વિ

Social Share

નવી દિલ્હી: તહેવારોની સીઝન દરમિયાન ભારતીયોએ ધૂમ ખરીદી કરી હતી જેને કારણે નવેમ્બર મહિનામાં રિટેલ વેચાણમાં 9 ટકાની વૃદ્વિ જોવા મળી હતી. આમ ઓમિક્રોન વેરિએન્ટની વધતી દહેશત વચ્ચે પણ ત્રીજી લહેરના એંધાણ વચ્ચે પણ વ્યાપારિક પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળી રહ્યો છે જે એક સકારાત્મક બાબત કહી શકાય.

ગત મહિને રિટેલ વેચાણમાં જોવા મળેલી વૃદ્વિ નવેમ્બર 2020ની તુલનામાં 16 ટકા વધારે છે. કોવિડ-19 પૂર્વેના સ્તરની તુલનાએ તમામ વિસ્તારોમાં છૂટક વેપારીઓએ વેચાણમાં વૃદ્વિના સંકેત આપ્યા છે. નવેમ્બર 2019ની તુલનાએ ગત મહિને પશ્વિમ ભારતમાં વેચાણ 11 ટકા, પૂર્વ અને દક્ષિણ ભારતમાં 9 ટકા તેમજ ભારતમાં 6 ટકા વધ્યું છે. રિટેલર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાએ તેના રિટેલ બિઝનેસ સર્વેક્ષણમાં જણાવ્યું છે.

રિટેલ સેક્ટરના દેખવા અંગે સંગઠને જણાવ્યું કે બિઝનેસમાં સુધારો થઈ રહ્યો છે અને અમને આશા છે કે તે ટકી રહેશે. જો કે, ઓમિક્રોનના કારણે મહામારીની ત્રીજી લહેરની ચિંતાઓ છે, જે સાવચેતીભર્યા આશાવાદ તરફ દોરી જાય છે.

નોંધનીય છે કે, વિવિધ કેટેગરીની વાત કરીયે તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ જેણે ઓક્ટોબરમાં સારી વૃદ્ધિ દર્શાવી ન હતી, તેનું દિવાળીમાં પ્રોત્સાહક વેચાણ રહેતા વર્ષ 2019ના સમાન મહિનાની સરખામણીએ નવેમ્બરમાં 32 ટકાની તંદુરસ્ત વૃદ્ધિ દર્શાવી છે. તેવી જ રીતે સ્પોર્ટ્સ ગુડ્સ કેટેગરીમાં 18 ટકા, ગારમેન્ટ સેક્ટરમાં 6 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.