Site icon Revoi.in

કોરોના મહામારી દરમિયાન પણ દેશની કૃષિપેદાશોની નિકાસમાં વધારો

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પણ ભારતમાં કૃષિપેદાશોની નિકાસમાં જબરદસ્ત વધારો થયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2020 દરમિયાન દેશમાંથી અનાજની નિકાસ પાછલા વર્ષની 32,591 કરોડ રૂપિયાની સરખામણીએ વધીને 49,832 કરોડ રૂપિયા એ પહોંચી ગઇ છે. અનાજની નિકાસ રૂપિયાની દ્રષ્ટિએ 52.90 ટકા તેમજ અમેરિકન ડોલરની રીતે 45.81 ટકા વધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરાયેલી કુલ નિકાસમાં અનાજની નિકાસનો હિસ્સો રૂપિયાની દ્રષ્ટિએ 48.61 ટકા રહ્યો છે. આ દરમિયાન બાસમતી ચોખાની નિકાસ 2,038 કરોડ રૂપિયાની રહી છે જે ગત વર્ષા સમાન સમયગાળા દરમિયાન 1926 કરોડ રૂપિયા રહી હતી.

પ્રાપ્ત આંકડાઓ મુજબ એપ્રિલથી ડિસેમ્બર 2020ની દરમિયાન બાસમતી ચોખાની નિકાસ કમાણી વાર્ષિક તુલનાએ ભારતીય ચલણની રીતે 5.31 ટકા અને ડોલરની રીતે 0.36 ટકા વધી છે. અપેડાના મતાનુસાર કુલ નિકાસમાં બાસમતી ચોખાનો હિસ્સો 21.44 ટકા છે. ભારતમાંથી બાસમતી ચોખાની નિકાસ મુખ્યત્વે ઇરાન, સાઉદી અરબ, ઇરાક, સંયુક્ત અરબ અમિરાત, કુવૈત અને યુરોપિયન દેશોમાં થાય છે.

નાણાંકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રણ ત્રિમાસિક દરમિયાન બિન-બાસમતી ચોખાની નિકાસ 22,856 કરોડ રૂપિયાની રહી જ્યારે એપ્રિલ-ડિસેમ્બર 2019માં આ દરમિયાન તેની નિકાસ 10,268 કરોડ રૂપિયા હતી. બિન-બાસમતી ચોખાની નિકાસ ભારતીય ચલણની દ્રષ્ટિએ 122.61 ટકા અને ડોલરની રીતે 111.81 ટકા વધી છે.

ભારતમાંથી બિન-બાસતી ચોખાની નિકાસ નેપાળ, બેનિન, સંયુક્ત અરબ અમિરાત, સોમાલીયા, ગિની અને એશિયા, યુરોપ તેમજ અમેરિકાના ઘણા દેશોમાં થાય છે. આ દરમિયાન ઘઉંની નિકાસ પાછલા વર્ષે સમાન સમયગાળા દરમિયાન કરાયેલ 336 કરોડ રૂપિયાની તુલનામાં વધીને 1,870 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આમ તેમાં ભારતીય ચલણની દ્રષ્ટિએ 456.41 ટકા અને ડોલરની રીતે 431.10 ટકાની વૃદ્ધિ થઇ છે.

(સંકેત)