Site icon Revoi.in

હવે ભ્રામક ઑફર્સના ફ્લેશ સેલ પર લાગશે લગામ, સરકારે કરી આ તૈયારી

Social Share

નવી દિલ્હી: વર્તમાન સમયમાં ઇ કોમર્સ પ્લેટફોર્મ ઉપર ભારે છૂટના નામે ગ્રાહકો સાથે થતી છેતરપિંડીના કિસ્સા વધ્યા છે ત્યારે હવે તેના પર લગામ લગાવવા સરકારે મહત્વનું પગલું ભર્યું છે. આ કંપનીઓના DPIITમાં રજીસ્ટ્રેશનનો પ્રસ્તાવ રાખતા ઉપભોક્તા સંરક્ષણ નિયમ 2020માં ફેરફાર કરવા કાર્યવાહી શરૂ કરાઇ છે. તે ઉપરાંત ઇન્ટરનેટ સર્ચ રિઝલ્ટમાં હેરાફેરી કરી યૂઝર્સને ગુમરાહ કરવા પર પ્રતિબંધ સાથે ફરિયાદ અધિકારીની નિયુક્તિ સહિતના સંશોધનો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

સૂચિત સુધારામાં ઈ કોમર્સ કંપનીઓને કોઈ પણ કાયદા હેઠળ ગુનાઓની રોકથામ, તપાસ અને કાર્યવાહી માટે સરકારી એજન્સી પાસેથી આદેશ મળ્યાના 72 કલાકની અંદર માહિતી પૂરી પાડવાની જરૂર રહેશે. કન્ઝ્યુમર પ્રોટેક્શન રૂલ્સ, 2020 ને ગયા વર્ષે જુલાઇમાં પ્રથમ સૂચિત કરાયું હતું. આના ઉલ્લંઘન મામલે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળ દંડનીય કાર્યવાહી થઈ શકે છે.

સરકાર ઇ-કોમર્સ કંપનીઓની નોંધણી પણ ફરજીયાત કરવા પર વિચારણા કરી રહી છે. 6 જુલાઇ સુધીમાં સૂચિત સુધારા અંગેના મત, ટિપ્પણીઓ, સૂચનો js-ca@nic.in ને ઇમેઇલ દ્વારા મોકલી શકાશે.

સરકારે કહ્યું છે કે, તેને ઇ-કોમર્સમાં વ્યાપક છેતરપિંડી અને અયોગ્ય વેપાર વ્યહવાર સામે ગ્રાહકો, વેપારીઓ અને સંગઠનો તરફથી ફરિયાદોની અનેક રજૂઆતો મળી છે. જો કે મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે, પરંપરાગત રીતે કરવામાં આવતા ઇ-કોમર્સ ડિસ્કાઉન્ટ વેચાણ પર કોઇ પ્રતિબંધ રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે હાલમાં ઈ-કોમર્સ કંપનીઓ કંપની એક્ટ, ભારતીય ભાગીદારી અધિનિયમ અથવા મર્યાદિત જવાબદારી ભાગીદારી અધિનિયમ હેઠળ રજીસ્ટર થયેલ છે પરંતુ અલગથી ડીપીઆઇઆઇટી માં રજીસ્ટર નથી.