Site icon Revoi.in

વર્ષ 2022માં વૈશ્વિક અર્થતંત્ર પ્રથમ વખત 100 લાખ કરોડ ડોલરને પાર થશે: અહેવાલ

Social Share

નવી દિલ્હી: વૈશ્વિક અર્થતંત્રને લઇને એક અહેવાલ પ્રકાશિત થયો છે જે અનુસાર, વર્ષ 2022માં વૈશ્વિક અર્થતંત્ર પ્રથમવાર 100 લાખ કરોડ ડોલરને પાર થઇ જશે. આ અહેવાલમાં વધુ એવી જાણકારી આપવામાં આવી છે કે, વિશ્વના પ્રથમ નંબરના અર્થતંત્ર તરીકે અમેરિકાનું સ્થાન લેવામાં ચીનને અંદાજ કરતા વધુ સમય લાગી શકે છે.

વર્ષ 2030માં ચીન વિશ્વનું પ્રથમ અર્થતંત્ર બનશે તેવો અંદાજ બ્રિટિશ કન્સલટન્સી CEBRએ વ્યક્ત કર્યો છે. આ અગાઉ વર્લ્ડ ઇકોનોમિક લીગ ટેબલ રિપોર્ટમાં અંદાજ મૂકવામાં આવ્યો હતો કે, વર્ષ 2028માં ચીન અમેરિકાને મ્હાત આપીને વિશ્વનું પ્રથમ નંબરનું અર્થતંત્ર બની જશે.

ભારતીય અર્થતંત્ર અંગેના અંદાજ પર વાત કરીએ તો વર્ષ 2022માં ભારતીય અર્થતંત્ર ફ્રાન્સના અર્થતંત્રથી આગળ વધી જશે. ત્યારબાદ વર્ષ 2023માં ભારતીય અર્થતંત્ર બ્રિટનથી આગળ નીકળીને વિશ્વનું છઠ્ઠા નંબરનું અર્થતંત્ર બની જશે.

વર્ષ 2021 થી 2030 સુધીના વર્ષોમાં વિશ્વના અર્થતંત્રો ફુગાવાનો કઇ રીતે સામનો કરશે તે સૌથી મોટો પડકાર છે. અમેરિકામાં ફુગાવો વધીને 6.8 ટકા થઇ ગયો છે તેવું CEBRના ડેપ્યુટી ચેરમેન ડોગલાસ મેકવિલિયમ્સે જણાવ્યું હતું.

કેટલીક વસ્તુઓ ફુગાવાને અંકુશમાં રાખશે અને જો એમ નહીં થાય તો વિશ્વને વર્ષ 2023 અને વર્ષ 2024માં મંદીનો સામનો કરવો પડશે તેવા પણ એંધાણ છે.

અહેવાલ અનુસાર, વર્ષ 2033માં જર્મનીનું અર્થતંત્ર જાપાનના અર્થતંત્રથી પણ આગળ વધી જશે. રશિયા વર્ષ 2036 સુધીમાં વિશ્વના ટોચના 10 અર્થતંત્રોમાં સામેલ થઇ જશે.