Site icon Revoi.in

વર્ષ 2020ના અંતે વૈશ્વિક જાહેર દેવું વધીને જીડીપીના 98% થયા હોવાનો IMFનો અંદાજ

Social Share

વોશિંગ્ટન: વર્ષ 2020માં કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. વર્ષ 2020ના અંતે વૈશ્વિક દેવું જીડીપીના 98 ટકા સ્પર્શી ગયું હોવાનો અંદાજ IMF દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. IMFના તાજેતરના અહેવાલ અનુસાર ભારત સરકારનું દેવું વધીને જીડીપીની 83 ટકા થઇ જશે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના નાણાકીય બાબતો વિભાગના ડાયરેક્ટર વિટોર ગાસપોરે જણાવ્યું છે કે, તમામ જગ્યાએ સરકારની આવક ઘટી રહી છે. કોરોના પહેલા વૈશ્વિક જાહેર દેવું 84 ટકા હતું જે વધીને હવે 98 ટકા થઇ ગયું છે. વર્ષ 2021માં પણ જાહેર દેવું ઉચ્ચતમ સ્તરે જ રહેશે.

IMF અનુસાર વર્ષ 2020ના અંત સુધીમાં વૈશ્વિક જાહેર દેવું જીડીપીના 98 ટકા થયું હોવાની સંભાવના છે. IMFએ ચેતવણી આપી છે કે વર્ષ 2021માં વૈશ્વિક જાહેર દેવું વધીને જીડીપીના 100 ટકા થઇ જવાની સંભાવના છે. જો કે IMFએ વધુમાં જણાવ્યું હતું કે તે વિશ્વના દેશોને શક્ય તેટલી મદદ કરશે.

આઇએમએફના જણાવ્યા અનુસાર તેણે કોરોના શરૂ થયો ત્યારથી લઇને અત્યાર સુધીમાં 80થી વધુ દેશોને 105 અબજ ડોલરની સહાય કરી છે. જે પૈકી પાંચ દેશો ઓછી આવકવાળા વિકાસશીલ દેશો છે. અનેક ગરીબ દેશોને ગ્રાન્ટ સહિતની અનેક પ્રકારની સહાયની જરૂર છે.

(સંકેત)