Site icon Revoi.in

સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના: 100 સંપત્તિનું સરકાર વેચાણ કરશે, 2.5 લાખ કરોડ કરશે એકત્ર

Social Share

નવી દિલ્હી: સરકાર મોટી ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના અંગે વિચાર કરી રહી છે. સરકાર બહુ ઝડપથી બંધ પડેલી 100 સરકારી સંપત્તિને વેચીને 2.5 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવા માટે કામ કરી રહી છે. પીએમ મોદીએ બુધવારે એક વેબિનારમાં આ માહિતી આપી હતી. ફેબ્રુઆરીમાં જાહેર થયેલા સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ડિસઇન્વેસ્ટમેન્ટથી 1.75 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની સરકારની યોજના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકાર જુલાઇ-ઑગસ્ટ સુધી એર ઇન્ડિયાન તેમજ BPCL અંગે ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના પૂરી કરવાની તૈયારી કરી રહી છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે બિઝનેસ કરવો એક સરકાર કામ નથી. સરકારનું ધ્યાન જન કલ્યાણ પર હોવું જોઇએ. સરકાર પાસે અનેક એવી સંપત્તિ છે જેનો પૂર્ણ ઉપયોગ નથી થયો અથવા બેકાર પડી છે. આવી 100 જેટલી સંપત્તિને બજારમાં મૂકીને 2.5 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યુ કે, સરકાર મુદ્રીકરણ અને આધુનિકરણ પર ધ્યાન આપી રહી છે. ખાનગી ક્ષેત્રથી દક્ષતા આવે છે અને રોજગારી મળે છે. ખાનગીકરણ અને સંપત્તિના મોનિટાઇઝેશનથી જે પૈસા આવશે તે લોકો પર ખર્ચ કરવામાં આવશે.

પીએમ મોદીએ જાહેર ક્ષેત્રની કંપનીઓ પર યોજાયેલા વેબીનારમાં કહ્યુ કે, બજેટ 2021-22માં ભારતને ઊંચી વૃદ્ધિના રસ્તે લઈ જવા માટે અનેક યોજના ઘડવામાં આવી છે. તેમણે કહ્યુ કે, અને જાહેર ક્ષેત્રો નુકસાન કરી રહ્યા છે, અનેકની લોન આપીને મદદ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, “સરકારી કંપનીઓને ફક્ત એવું માનીને ન ચલાવી શકાય કે તે વારસામાં મળી છે.” તેઓએ જણાવ્યુ કે, જાહેર ક્ષેત્રની બીમાર કંપનીઓને નાણાકીય મદદ કરવાથી અર્થતંત્ર પર બોઝ પડે છે.

નોંધનીય છે કે કોરોના મહામારીને કારણે સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના પ્રભાવિત થઇ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર એર ઇન્ડિયા તેમજ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની બોલી લગાવનારને બે મહિનામાં બોલી જમા કરવાનું કહી શકે છે.

(સંકેત)