Site icon Revoi.in

વોડાફોન આઇડિયાનું અસ્તિત્વ બચશે?, જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય

Social Share

નવી દિલ્હી: દેવાના બોજ હેઠળ દબાયેલી દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા પર હવે બંધ થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. કંપની પર 1.90 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને મૂડી ભેગી કરવાની તેની યોજના પાટે ચડી રહી નથી. કંપનીના જો પાટિયા પડી જાય તો તેના 26 કરોડથી વધુ યૂઝર્સની મુશ્કેલીઓ વધી શકે છે. આવી સ્થિતિમાં કંપનીનું અસ્તિત્વ બચાવવા અંગે નિષ્ણાતોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

એનાલિસ્ટો અનુસાર વોડાફોન આઇડિયાએ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે પ્રીપેડ સ્માર્ટફોન યૂઝર્સ માટે ટેરિફમાં તાત્કાલિક વધારો કરવો જોઇએ. વોડાફોન આઇડિયાની રેવેન્યૂમાં 50 થી 80 ટકા હિસ્સો પ્રીપેડ સ્માર્ટફોન યૂઝર્સ સેગમેન્ટનો છે. તેનાથી કંપનીની એવરેજ રેવેન્યુ પર યૂઝરમાં વધારો થશે, કેશ વધશે અને ઘટતી જતી માર્કેટ ભાગીદારી પર લગામ લાગશે.

વોડાફોન આઈડિયાએ કેટલાક પ્લાન્સ માટે ટેરિફ વધાર્યો છે, પરંતુ એઆરપીયુમાં ઉલ્લેખનીય સુધારા માટે તેણે પ્રીપેડ 4જી કસ્ટમર્સ માટે ટેરિફ વધારવાની જરૂર છે. કંપનીએ તાજેતરમાં 14 સર્કલમાં પ્રીપેડ યૂઝર્સ માટે એન્ટ્રી લેવલ પ્લાન 61 ટકા વધારીને 79 રૂપિયા કરી દીધો હતો. હવે, કંપની તેને સમગ્ર દેશમાં લાગુ કરવાની તૈયારીમાં છે. સાથે જ કંપનીએ કોર્પોરેટ યૂઝર્સ માટે બેઝ પોસ્ટપેડ રેટ વધારીને 299 રૂપિયા કરી દીધો છે.

જોકે, ઈન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે, 4જી યૂઝર્સ માટે પ્રીપેડ ટેરિફમાં વધારો કરવો સરળ નહીં હોય. તેનું કારણ એ છે કે, તેની નજીકની પ્રતિસ્પર્ધી કંપની ભારતી એરટેલ પહેલા જ આ પ્રકારનું પગલું ઉઠાવવાની શક્યતા નકારી ચૂકી છે. તેનું કારણ એ છે કે, જો કંપની એવું કરે છે તો કસ્ટમર તેના હાથમાં નીકળી શકે છે. વોડાફોન આઈડિયાએ સાથે જ રિલાયન્સ જિયોના આવનારા સસ્તા ફોનથી થનારી અસરને પણ ધ્યાનમાં રાખવી પડશે.

જૂન ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાને 1.2 કરોડથી વધુ કસ્ટમર્સ ગુમાવવા પડ્યા છે. હાલમાં કંપની નેટવર્ક પર ખર્ચ વધારવામાં અને 4જી કવરેજમાં સુધારો કરવાની સ્થિતિમાં નથી. જોકે, ગોલ્ડમેન સાક્સનું કહેવું છે કે, કંપનીને શોર્ટ ટર્મમાં ટેરિફમાં ભારે વધારો કરવાની જરૂર છે. કંપનીએ પોતાની એઆરપીયુ 120 રૂપિયા વધારવાની જરૂર છે, જે તેના કરન્ટ લેવલથી બે ગણી છે.