Site icon Revoi.in

કોરોના મહામારી વચ્ચે પણ ભારતીય કંપનીઓએ વિદેશમાં 12.25 અબજ ડોલરનું જંગી મૂડીરોકાણ કર્યું

Social Share

નવી દિલ્હી: કોરોનાની મહામારી દરમિયાન પણ ભારતીય કંપનીઓએ વિદેશમાં જંગી મૂડીરોકાણ કરીને ઉત્સાહ દર્શાવ્યો છે. કેર રેટિંગ દ્વારા એકત્ર કરાયેલા આંકડાઓ અનુસાર પ્રવર્તમાન નાણાંકીય વર્ષ 2020-21માં એપ્રિલથી નવેમ્બર સુધીના 8 મહિના દરમિયાન ભારતીય કંપનીઓએ વિદેશમાં 12.25 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે. આ મૂડીરોકાણમાંથી મોટા ભાગનું રોકાણ અમેરિકા, સિંગાપોર કે નેધરલેન્ડના સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓમાં કરવામાં આવ્યું છે. ગત નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન ભારતીય કંપનીઓનું વિદેશી રોકાણ 13 અબજ ડોલર નોંધાયું હતું.

આરબીઆઇના આંકડાઓ અનુસાર ચાલુ વર્ષે એપ્રિલથી નવેમ્બરમાં કરાયેલા 12.25 અબજ ડોલરના વિદેશી રોકાણમાંથી વાસ્તવિક આઉટફ્લો 6.35 અબજ ડોલર હતો, જેમાંથી 2.97 અબજ ડોલર ઇક્વિટી અને 3.37 અબજ ડોલર લોન કમિટમેન્ટ અને બેલેન્સ તેમજ 5.90 અબજ ડોલર ગેરંટી સ્વરૂપે કરાયું છે.

તેની સામે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં એફડીઆઇનો કુલ ઇનફ્લો 35.73 અબજ ડોલર રહ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ અને પાછલા વર્ષના સમાન સમયગાળાના 31.60 અબજ ડોલરની તુલનાએ 13 ટકા વધુ છે. આ મુખ્યત્વે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાં કરેલ ડીલને આભારી છે.

મહત્વનું છે કે, વર્ષ 2019-20માં ભારતીય કંપનીઓએ 13 અબજ ડોલરનું વિદેશમાં મૂડીરોકાણ કર્યું છે. જે નાણાંકીય વર્ષ 2013 પછીનું બીજું ડબલ ડિજીટ રોકાણ છે.

(સંકેત)