Site icon Revoi.in

દ્વી-ચક્રીય વાહનોના ઉદ્યોગને ગ્રહણ, વાહનોનું વેચાણ 7 વર્ષના તળિયે પહોંચ્યું, વધુ ઘટાડો થવાનો અંદાજ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી બાદ હજુ પણ દ્વી-ચક્રિય વાહનોના વેચાણમાં હજુ પણ વેગ નથી જોવા મળી રહ્યો જેને કારણે ભારતમાં દ્વી-ચક્રીય ઉદ્યોગ એક દાયકા પાછળ જતો રહ્યો છે. રેટિંગ એજન્સી ક્રિસિલ અનુસાર ભારતમાં દ્વી-ચક્રીય વાહનોનું વેચાણ ગત વર્ષની તુલનાએ 3-6 ટકા ઓછું રહેશે.

આ વર્ષના અત્યાર સુધીના ડેટા પર નજર કરીએ તો 7 મહિનામાં દ્વી-ચક્રીય વાહનોનું વેચાણ નજીવી વૃદ્વિ સાથે 80,59,237 નંગ રહ્યું છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 80,37,492 નંગ વાહન વેચાયા હતા. વાહન ઉદ્યોગના સંગઠન સિયામના આંકડા અનુસાર દ્વી-ચક્રીય વાહનોના વેચાણનો આંકડો સાત વર્ષમાં સૌથી ઓછો છે.

દ્વી-ચક્રીય વાહનોનું વેચાણ સતત ત્રણ વર્ષથી ઘટી રહ્યું છે. ક્રિસિલ રિસર્ચ અનુસાર, ઓછી આવક ધરાવતા લોકોની કમાણી પર ઉંડી અસર થઇ છે. તેનાથી એન્ટ્રી લેવલની મોટર સાઇકલનું વેચાણ ઘટ્યું છે. અન્ય કન્ઝ્યુમર પ્રોડકટ્સ જેવા કે મકાન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફોર-વ્હીલના વેચાણ પર પણ અસર થઇ છે. બીજી તરફ ધનિક લોકો વધુ ધનિક થતા મોટરસાઇકલ અને કિંમતી ચીજવસ્તુઓનું વેચાણ પણ વધ્યું છે.

તહેવારો દરમિયાન વાહનોનું વેચાણ વેગ પકડે તેવી આશા હતી પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે. 15 ઑક્ટોબરથી 15 નવેમ્બર સુધીના 45 દિવસમાં માત્ર 15.66 લાખ દ્વી-ચક્રીય વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે.

Exit mobile version