- કોરોના મહામારીને કારણે લાગેલા પ્રતિબંધોથી ઇંધણની માંગ ઘટી
- ઇંધણની માંગ નોંધપાત્ર રીતે ઘટીને 9 મહિનાના તળિયે જોવા મળી
- ઇંધણની માંગમાં મે મહિના દરમિયાન 11.3 ટકાનો ઘટાડો થયો
નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન દેશના અનેક રાજ્યોમાં લાગુ કરાયેલા પ્રતિબંધોને કારણે દેશમાં ઇંધણની માંગ નોંધપાત્ર રીતે ઘટીને 9 મહિનાના તળિયે જોવા મળી છે. ઓઇલ મિનિસ્ટ્રી હેઠળના પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલ અનુસાર મે મહિના દરમિયાન ભારતમાં ઑઇલની માંગ 1.51 કરોડ ટન નોંધાઇ છે જે માસિક તુલનાએ 11.3 ટકા તેમજ વાર્ષિક તુલનાએ 1.5 ટકાનો ઘટાડો દર્શાવે છે.
ઇંધણની માંગમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ લોકડાઉન છે તેવું ઇકરાના અધિકારીએ કહ્યું હતું. તે ઉપરાંત પેટ્રોલ-ડીઝલના આસમાને આંબતા ભાવને કારણે પણ માંગ પ્રભાવિત થઇ છે અને તેનાથી ડિમાન્ડ રિકવરીની ગતિ ધીમી પડી શકે છે. મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલનું દૈનિક વેચાણ પણ 20 ટકા જેટલું ઘટ્યું છે અને ઉંચા ભાવને લીધે વપરાશ પણ ઘટ્યો છે. જો કે કેટલાક રાજ્યોમાં હવે કોરોના સંક્રમણ ઘટતા ત્યાં છૂટછાટ અપાઇ છે જેને લીધે ઇંધણની માંગમાં ઉછાળો આવે તેવી સંભાવના છે.
નોંધનીય છે કે, ડીઝલનો વપરાશ જે અર્થતંત્રની વૃદ્ધિ સાથે જોડાયેલ મુખ્ય માપદંડ છે અને દેશમાં વેચાતા કુલ ઇંધણમાં 40 ટકા જેટલી હિસ્સેદારી ધરાવે તેનું વેચાણ મે મહિનામાં વાર્ષિક તુલનાએ 0.7 ટકા વધીને 55.3 લાખ ટન નોંધાયુ છે જો કે માસિક તુલનાએ 17 ટકા ઘટ્યુ છે. પેટ્રોલનું વેચાણ વાર્ષિક તુલનાએ મે મહિનામાં 12.4 ટકા વધીને 19.9 લાખ ટન નોંધાયુ છે જો કે માસિક તુલનાએ તેમાં 17 ટકાનો ઘટાડો થયો છે.