Site icon Revoi.in

આશાવાદ: ભારત આગામી માર્ચ ત્રિમાસિક ગાળામાં સકારાત્મક વૃદ્વિદર દર્શાવશે: નીતિ આયોગ

Social Share

નવી દિલ્હી: ભારતનું અર્થતંત્ર હવે ધીરે ધીરે રિકવરીના પંથ પર આગળ વધી રહ્યું છે. આ દરમિયાન નીતિ આયોગનું માનવું છે કે, ભારતીય અર્થતંત્ર હવે કોરોના મહામારીથી પડેલ ફટકાથી બેઠું થઇ રહ્યું છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે, પ્રવર્તમાન નાણાંકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીમાં સકારાત્મક વૃદ્વિ જોવા મળી શકે છે.

તેમણે કૃષિ સુધારણા કાયદા વિશે જણાવતા કહ્યું હતું કે આ કાયદાનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવકમાં વૃદ્વિ કરવાનો છે. આ કાયદાઓને લઇને ખેડૂતો દ્વારા આંદોલનનું કારણ ગેરસમજ અને તેમના સુધી યોગ્ય માહિતી ન પહોંચી છે. આ ગેરસમજને જેમ બને તેટલી દૂર કરવાની આવશ્યકતા છે.

નીતિ આયોગ અનુસાર સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાના વિકાસદરના આંકડાથી જાણવા મળ્યું છે કે ભારતીય અર્થતંત્ર હવે કોવિડ-19 મહામારીના કારણે થયેલ ધબકડાંમાંથી બહાર આવી રહી છે. નીતિ આયોગના અધિકારીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારત આર્થિક ગતિવિધિઓનું એ સ્તર હાંસલ કરી લેશે જે કોવિડ-19 પૂર્વે હતું.

તેમણે એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આગામી માર્ચના ત્રિમાસિક ગાળા દરમિયાન વૃદ્વિ દર અગાઉના વર્ષન સમાન સમયગાળાની સરખામણીએ ઉંચો રહેશે. કેન્દ્ર સરકારે હાલના સમયમાં ઘણા રચનાત્મક સુધારાઓ કર્યા છે અને ઘણા રિફોર્મ્સ પાઇપલાઇનમાં છે.

મહત્વનું છે કે, જુલાઇથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ભારતના વિકાસદરમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.

(સંકેત)