Site icon Revoi.in

કોરોના સંકટ દરમિયાન ભારતીયોની આવકમાં 9%નો ઘટાડો

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી અને તેને કારણે લાગૂ પડેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે ભારતીય અર્થતંત્રને તો ફટકો પડ્યો જ છે પરંતુ સાથોસાથ ભારતીયોની આર્થિક પરિસ્થિતિ પણ વધુ નબળી પડી છે. ચાલુ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન દરેક ભારતીયના ખિસ્સામાંથી 10,000 રૂપિયાની રકમ કોરોના સેરવી ગયો છે. જો શબ્દોમાં કહીએ તો ચાલુ વર્ષે દરેક ભારતીયે સરેરાશ 10,000 રૂપિયાની આવક ગુમાવી છે અથવા આટલી કમાણી ઘટી છે.

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પલિમેન્શન (MOSPI) દ્વારા જાહેર કરાયેલા પ્રથમ અગ્રિમ અંદાજ મુજબ ચાલુ નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતની માથાદીઠ આવક 97,899 રૂપિયા નોંધાઇ છે જે પાછલા વર્ષ 2019-20ના 1,07,422 લાખની તુલનાએ 8.9 ટકાનો ઘટાડો દર્શાવે છે. ભારતની માથાદીઠ આવકમાં ચાલુ વર્ષનો ઘટાડો એ કદાચ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો હશે.

આ આંકડા એવું દર્શાવે છે કે કોરોના મહામારી તેમજ લોકડાઉનને કારણે અર્થતંત્રને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. તે ઉપરાંત સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર પણ સીધી અસર કરી છે. પ્રથમ અગ્રિમ અંદાજ મુજબ ચાલુ વર્ષે વ્યક્તિગત કુલ રાષ્ટ્રીય આવક 8.9 ટકા ઘટી છે તો મૂલ્યની રીતે વ્યક્તિગત જીડીપીમાં પણ 8.7 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. નાણાંકીય વર્ષ 2019-20માં વ્યક્તિગત જીડીપી 1,08,620 રૂપિયા હતી જે ચાલુ વર્ષ 2020-21માં 99,155 રૂપિયા રહેવાનો અંદાજ મૂકાયો છે.

કોરોના મહામારીના લીધે માર્ચના અંતિમ સપ્તાહમાં લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનના લીધે દેશમાં લાખો લોકોએ નોકરી-રોજગારી ગુમાવી અને લાંબા સમય સુધી આવક-પગાર થઇ ન હતી. ચાલુ નાણાંકીય વર્ષની શરૂઆતથી જ ભારતીયોની આવકમાં મોટુ ધોવાણ જોવા મળ્યુ છે. મેન્યુફેક્ચરિંગ, બાંધકામ, વેપારી પ્રવૃત્તિઓ, હોટેલ વગેરે જેવા શ્રમપ્રધાન ક્ષેત્રોમાં સમગ્ર નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન સંકોચન નોંધાય તેવી સંભાવના છે.

(સંકેત)