Site icon Revoi.in

ભારતનો વિજ્ઞાપન ઉદ્યોગ 2021ના અંત સુધીમાં 62,577 કરોડ પર પહોંચશે

Social Share

નવી દિલ્હી: સાંપ્રત સમયમાં ભારતનો વિજ્ઞાપન ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષના અંત સુધીમાં ભારતીય વિજ્ઞાપન ઉદ્યોગ 10.8 ટકા વધીને 62,577 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવો અંદાજ છે. ખાસ કરીને ડિજીટલ જાહેરાતોમાં આવેલ તેજીને પગલે આ વૃદ્વિ જોવા મળી છે. વર્ષ 2020માં રોગચાળાને કારણે જાહેરખબર ઉદ્યોગમાં ઘટાડો જોવા મળ્યો હતો જે હવે વર્ષ 2022 સુધી 70,343 કરોડની નજીક પહોંચવાનો અંદાજ છે. ડેન્ટસુ ડિજીટલ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

કોરોના મહામારી વચ્ચે હવે વિજ્ઞાપન ઉદ્યોગ ઝડપથી વેગવંતો બનવાની આશા છે અને વર્ષ 2021ના અંત સુધીમાં 10.8 ટકા વધીને 62,577 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. આ ઉપરાંત તે 11.59 પ્રતિ સીએજીઆર સાથે વૃદ્વિ નોંધાવે તેવી શક્યતા છે. ભારતમાં લોકડાઉનના પ્રારંભિક તબક્કા દરમિયાન વિનિર્માણ, વ્યાપાર, પર્યટન, પરિવહન, રિયલ એસ્ટેટ અને ઑટોમોબાઇલ જેવા મોટાભાગના ક્ષેત્રો પ્રભાવિત થયા હતા.

જો કે બીજી તરફ તેનાથી વિપરીત ડિજીટલ જાહેરાત ઉદ્યોગમાં 2020માં 15.3 ટકાની વૃદ્વિ જોવા મળી છે. મહામારી હોવા છતાં તે 2019ના અંતે 13,683 કરોડની તુલનાએ 15,872 કરોડ પર પહોંચી ગયો છે. તે ઉપરાંત વર્ષ 2022 સુધીમાં તે 23,673 કરોડ રૂપિયા સુધી પહોંચવાનું અનુમાન છે. ડિજીટલ મીડિયામાં સૌથી વધુ ખર્ચ બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ તેમજ ઇન્શ્યોરન્સ સેક્ટરે કર્યો છે.

(સંકેત)