Site icon Revoi.in

દેશની નિકાસમાં ડિસેમ્બરમાં 0.8 ટકાનો ઘટાડો, વેપાર ખાધ વધીને 15.71 અબજ ડોલર

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે હવે દેશની નિકાસને પણ ફટકો પડ્યો છે. દેશની નિકાસ ડિસેમ્બર 2020માં 0.8 ટકા ઘટીને 26.89 અબજ ડોલર રહી છે. સતત ત્રીજા મહિને નિકાસમાં ઘટાડો થવા પામ્યો છે. ખાસ કરીને પેટ્રોલિયમ પેદાશો, ચામડું અને સામુદ્રિક ઉત્પાદન સેક્ટરના નબળા પ્રદર્શનને કારણે નિકાસમાં ઘટાડો થયો છે. ડિસેમ્બરમાં આયાત 7.6 ટકા વધીને 42.6 અબજ ડોલર પર પહોંચી, તેના કારણે વેપાર ખાધ વધીને 15.71 અબજ ડોલર થઇ ગઇ.

ડિસેમ્બર, 2019માં દેશની નિકાસ 27.11 અબજ ડોલર અને આયાત 39.5 અબજ ડોલર રહી હતી, નવેમ્બર 2020માં નિકાસમાં 8.74 ટકોનો ઘટાડો આવ્યો હતો, ચાલુ નાણાકિય વર્ષનાં એપ્રિલ-ડિસેમ્બર મહિનાનાં સમયગાળામાં દેશની ચીજોની નિકાસનો આંકડો 238.27 અબજ ડોલર રહ્યો હતો, ચાલું નાણાકિય વર્ષનાં પહેલા 9 મહિનામાં આયાત 20.08 ટકાનાં ઘટાડા સાથે 258.29 અબજ ડોલર પર આવી ગઇ.

ચાલું નાણાકિય વર્ષનાં પહેલા 9 મહિના એપ્રિલ- ડિસેમ્બરમાં ક્રુડ ઓઇલની આયાત  44.46 ટકા ઘટીને 53.71 અબજ ડોલર રહી છે, સમીક્ષા હેઠળના મહિનામાં, ખલીની નિકાસમાં 192.60 ટકા, આયર્ન ઓર દ્વારા 69.26 ટકા, કાર્પેટ દ્વારા 21.12 ટકા, ફાર્માસ્યુટિકલ્સની 17.44 ટકા, મસાલાની 17.06 ટકા, ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સની 16.44 ટકા, ફળો અને શાકભાજીઓની 12.82 ટકા અને કેમિકલની 10.73 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત યાર્ન / ફેબ્રિક, હેન્ડલૂમ પ્રોડક્ટની નિકાસમાં 10.09 ટકાનો વધારો થયો છે.

બીજી તરફ જો આયાતના આંકડાઓ પર નજર કરીએ તો ડિસેમ્બર 2020માં દાળની આયાતમાં 245.15 ટકાની વૃદ્વિ, સોનાની આયાત 81.82 ટકા, વનસ્પતિ તેલ 43.50 ટકા, કેમિકલ 23.30 ટકા, ઇલેક્ટ્રોનિક સામાન 20.90 ટકા, મશીન ટૂલ્સની 13.46 ટકા, બહુમૂલ્ય રત્નોની 7.81 ટકા તથા રાસાયણિક ખાતરની આયાત 1.42 ટકા વધી હતી.

(સંકેત)