Site icon Revoi.in

SIPમાં રોકાણનો વિશ્વાસ ફરી પ્રસ્થાપિત થયો, ડિસેમ્બરમાં નવા 14 લાખ ફોલિયો ખુલ્યા

Social Share

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં તેજીનો ઘોડો દોડી રહ્યો છે ત્યારે વધુને વધુ રોકાણકારો રોકાણ કરવા તરફ આકર્ષાયા છે. રોકાણ માટેનું વધુ એક શ્રેષ્ઠ માધ્યમ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP છે જે ઓછા જોખમે શેરબજારમાં રોકાણ કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. નાના રોકાણકારોની ફરીથી એન્ટ્રિથી ડિસેમ્બરમાં અધધ.. 14 લાખ નવા ફોલિયો ખુલ્યા છે. તેની સાથોસાથ ડિસેમ્બરમાં છેલ્લા 8 મહિનાનું સૌથી વધુ નવુ મૂડીરોકાણ આવ્યું છે.

એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના આંકડાઓ અનુસાર એકલા ડિસેમ્બર 2020માં 14.22 લાખ નવા SIP ફોલિયો ખુલ્યા છે જે પાછલા વર્ષના સમાન મહિનાની તુલનાએ બમણાં છે. તો નવેમ્બર 2020ના 10.63 લાખ નવા ફોલિયોની તુલનાએ ડિસેમ્બરમાં 33.6 ટકાની વૃદ્વિ દર્શાવે છે.

અલબત્ત ડિસેમ્બર 2020માં 7.76 લાખ SIP ફોલિયો બંધ થવાની સામે 14.22 લાખ નવા SIP ફોલિયો ખુલ્યા છે. આમ SIPનો ક્લોઝર રેશિયો 54.6 ટકા રહ્યો છે જે નવેમ્બરમાં 68.1 ટકા હતો. ઉપરાંત એપ્રિલ 2020થી નવા SIP ઇન્વેસ્ટર્સ ફોલિયોમાં દર મહિને સતત વૃદ્ધિ થઇ છે. આ સાથે મ્યુ. ફંડ હાઉસો પાસેના SIP ઇવેસ્ટર્સ ફોલિયોની કુલ સંખ્યા વધીને 3.47 કરોડે પહોંચી ગઇ છે જે એપ્રિલ 2020ના અંતે 3.14 કરોડ હતી. આમ વિતેલા નવ મહિનામાં 33 લાખ નવા SIP ફોલિયો ઉમેરાયા છે.

ડિસેમ્બરમાં નવા SIP ફોલિયોની સંખ્યા વધવાની સાથે નવા મૂડીરોકાણમાં જંગી વધારો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં SIPમાં 8414 કરોડ રૂપિયાનું નવી મૂડીરોકાણ આવ્યુ છે. જે છેલ્લા આઠ મહિનાનું સૌથી ઇનફ્લો છે. છેલ્લે સૌથી વધુ માર્ચ 2020માં 8641 કરોડ રૂપિયાનો ઇનફ્લો નોંધાયો હતો.

મહત્વનું છે કે, નાના રોકાણકારોના જંગી રિડમ્પ્શનને લીધે નવેમ્બર 2020માં SIPનો ઇનફ્લો ઘટીને વર્ષને તળિયે 7302 કરોડ રૂપિયા નોંધાયો હતો. તો ડિસેમ્બર 2019માં SIPમાં 8514 કરોડ રૂપિયાનું નવી રોકાણ આવ્યુ હતુ.

(સંકેત)