Site icon Revoi.in

ભારત ચીનથી આયાત થતા સામાન પર કેટલાક નવા માપદંડો લાગુ કરશે

Social Share

ભારત હવે ચીનને સબક શીખવવા માટે ધીરે ધીરે સખત વલણ અપનાવી રહ્યું છે. ભારતમાં અંદાજે 371 શ્રેણીના સામાન ચીન જેવા દેશોમાંથી આયાત કરી શકાય છે. આ શ્રેણીમાં રમકડાં, સ્ટીલ બાર, કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ, હેવી મશીનરી, પેપર, રબર આર્ટિકલ્સ જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી વર્ષના માર્ચ મહિનાથી ભારતમાં આ સામાન પર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ માર્ક એટલે કે IS માર્ક ફરજીયાત કરી દેવામાં આવશે.

ભારત સરકારના આ નવા નિયમોને કારણે હલકી ગુણવત્તાની વસ્તુઓની આયાત પર હવે નિયંત્રણ આવશે. વાણિજ્ય મંત્રાલયએ ગત વર્ષે આ વસ્તુઓની ઓળખ કરી હતી. આત્મનિર્ભર ભારતની પહેલ હેઠળ આયાત ઘટાડીને દેશમાં જ વસ્તુઓનું ઉત્પાદન કરીને નિકાસને વધારવા માટેની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે.

વાણિજ્ય મંત્રાલયે ચીની ઉત્પાદનો સહિત 371 આયાતિત ટેરિફ લાઇનોની ઓળખ કરી છે અને આ સામાનની ભારતમાં આયાત માટે અનિવાર્ય નિયમોની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

BIS વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે ત્યારે સંબંધિત મંત્રાલય વાણિજ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી વસ્તુઓની યાદીમાંથી મહત્વની વસ્તુઓની ઓળખ કરી રહ્યા છે. તે ઉપરાંત જરૂરી માપદંડો માટે BIS સાથે સંપર્ક અને ચર્ચા વિચારણા ચાલી રહી છે.

(સંકેત)