Site icon Revoi.in

ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રિકવરીના એંધાણ: ડિસેમ્બરમાં પેસેન્જર વ્હિકલનું વેચાણ 24 ટકા-દ્વિચક્રી વાહનોનું વેચાણ 12% વધ્યું

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે હવે ભારતની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ મંદીમાંથી તેજીના પાટે આવી રહી છે. કાર સહિતના પેસેન્જર વ્હિકલ્સના અને ટુ-વ્હીલરના વેચાણમાં વૃદ્વિ જોવા મળી છે. ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશન (FADA)ના આંકડા અનુસાર ડિસેમ્બર 2020ના મહિનામાં પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ વાર્ષિક તુલનાએ 24 ટકા વધીને 2,71,249 યુનિટ નોંધાયું છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન સમયગાળા દરમિયાન 2,18,775 યુનિટ વાહનોનું વેચાણ થયું હતું. આ વખતે ટુ-વ્હિકલના વેચાણમાં પણ વૃદ્ધિ આવી છે. ડિસેમ્બરમાં ટુ-વ્હિકલનું વેચાણ પણ વાર્ષિક તુલનાએ 11.88 ટકા વધીને 14,24,620 યુનિટ થયું છે.

જો કે બીજી તરફ ઔદ્યોગિક ક્ષેત્રે મંદીનો માહોલ હજુ પણ યથાવત્ રહેતા કોમર્શિયલ વ્હિકલનું વેચાણ દબાણ હેઠળ રહ્યું છે. ડિસેમ્બરમાં ટ્રક સહિતના કોમર્શિયલ વ્હીકલનું વેચાણ 51,454 યુનિટ થયું છે. જે વાર્ષિક તુલનાએ વેચાણમાં 13.52 ટકાનો ઘટાડો દર્શાવે છે. આમ તમામ કેટેગરીના વાહનોનું વેચાણ ડિસેમ્બર 2020માં 11 ટકા વધીને 18,44,143 યુનિટ નોંધાયુ છે, જે ચાલુ નાણાંકીય વર્ષ 2021 પ્રથમ માસિક પોઝિટિવ સેલ્સ ગ્રોથ છે.

જાન્યુઆરી 2021થી વાહનોની કિંમતોમાં કંપનીઓ દ્વારા વૃદ્ધિની જાહેરાતના પગલે તહેવારોની સીઝનમાં મોટી સંખ્યામાં નવા વાહનોની ખરીદી કરી છે. આ સાથે ઓટો ડિલરો પાસે વાહનોની ઇન્વેન્ટરી પણ ઘટી છે.

ઉલ્લેખનિય છે કે, FADAના આંકડા એ દેશની RTO ઓફિસમાં નવા વાહનોના રજિસ્ટ્રેશન પર આધારિત હોય છે જ્યારે SIAMના આંકડા કંપનીઓ દ્વારા ઓટો ડિલર્સને કરાયેલી સપ્લાય આધારીત હોય છે.

FADAના અનુસાર ડિસેમ્બર મહિનામાં વાહનોનું કુલ વેચાણ 11 ટકા વધ્યુ છે, જે ચાલુ નાણાંકીય વર્ષ 2021ની પ્રથમ માસિક વૃદ્ધિ છે. પ્રોત્સાહક કૃષિ ઉત્પાદનનો દાજ, ટુ-વ્હિકલ સેગમેન્ટમાં આકર્ષક ઓફરો, કાર અને ટુ-વ્હિકલના નવા મોડેલનું લોન્ચિંગ તેમજ જાન્યુઆરીથી કિંમતો વધી જવાની આશંકાથી ડિસેમ્બરમાં વાહનોનું વેચાણ વધ્યુ છે. પેસેન્જર વ્હિકલમાં સપ્લાય મામલે હજી પણ મુશ્કેલી યથાવત રહેતા વેઇટિંગ છે.

(સંકેત)