Site icon Revoi.in

દેશમાં આગામી સમયમાં સોલાર પાવર પ્રોજેક્ટ્સના ખર્ચમાં વધારો થવાની શક્યતા

Social Share

નવી દિલ્હી: ચીનમાં કાચની અછતને કારણે ઘરઆંગણે સોલાર પેનલ્સમાં વપરાતા આયાતી ગ્લાસની કિંમતમાં પણ તેજી જોવા મળી રહી છે. સોલાર મોડયૂલ્સના ખર્ચમાં ગત વર્ષના જૂનથી 22 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. કોરોના મહામારી તેમજ વેપાર મર્યાદાઓને કારણે પ્રોજેક્ટ્સ મોકૂફ રહેતા સોલાર પાવર પ્રોજેક્ટ્સ પાછળના ખર્ચમાં વધારો જોવા મળવાની સંભાવના છે.

આપને જણાવી દઇએ કે ભારત તેની સોલાર સેલ્સ તથા મોડ્યૂલની કુલ માગમાંથી 90 ટકા આયાત મારફત પૂરી કરે છે. આ આયાતમાંથી 80 ટકા ચીન ખાતેથી કરવામાં આવે છે. એમ સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.

સોલાર સાધનોના ઉત્પાદકો જે ગ્લાસ પેનલ્સની આયાત કરે છે તેના ભાવમાં છેલ્લા 6 મહિનામાં 150 ટકા જેટલો વધારો થયો હોવાનું જણાવાઇ રહ્યું છે. ટેક્નોલોજીમાં બદલવા સાથે ગ્લાસની માગમાં પણ વધારો થયો છે. ચીને ગ્લાસના ઉત્પાદન પર અંકૂશ મૂકતા તેની અછત વર્તાઇ રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલા એક ઓક્શનમાં સૌર ઊર્જાનો દર પ્રતિ યુનિટ 1.99 રૂપિયા જેટલો નીચે ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આયાતી સાધનના ખર્ચમાં વધારો થતાં સોલાર પેનલના ઘરેલું ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા હોવાનો દાવો કરાઇ રહ્યો છે. પેરિસ કરારને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દેશમાં સૌર તેમજ પવન ઊર્જા જેવી રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં વધારો કરવા પ્રોત્સાહનો જાહેર કરી રહી છે ત્યારે પ્રોજેક્ટ્સ પાછળના ખર્ચમાં વધારો ઉત્પાદકોના ઉત્સાહને મંદ કરે તો નવાઇ નહીં એવો સૂર વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

(સંકેત)